મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ
Rahul Gandhi On Election Commission: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વોટર લિસ્ટ વેરિફિકેશન (SIR) મુદ્દે ફરી એકવાર ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકના મતદારોની યાદી રજૂ કરતાં બંને રાજ્યોમાં નકલી વોટર્સ હોવાનો આરોપ મૂક્યો છે.
રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચની ધાંધલીનો પર્દાફાશ કરતાં કહ્યું કે, બંધારણનો પાયો વોટ છે. એવામાં આપણે વિચારવું જોઈએ કે, શું યોગ્ય લોકોને વોટ આપવાનો હક અપાઈ રહ્યો છે, શું મતદારયાદીમાં નકલી મતદારોને જોડવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ પ્રેઝેન્ટેશન સાથે 'પુરાવા' આપ્યા:
મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારો રહસ્યમયી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતોની ચોરી થઈ. અમે મહારાષ્ટ્રમાં હારી ગયા. મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારો રહસ્યમયી છે. મતદાર યાદી મુદ્દે ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ અને જણાવવું પડશે કે, મતદાર યાદી યોગ્ય છે કે, ખોટી? ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા કેમ નથી આપતી? અમે પંચ પાસે વારંવાર ડેટા મંગાવ્યો હતો, પરંતુ તેમણે આપ્યો નહીં. તેમજ જવાબ આપવાનો પણ ઇન્કાર કરી દીધો.
આ ચોરી પકડવા છ મહિનાનો સમય લાગ્યો
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં નકલી વોટિંગ થઈ રહ્યું છે. અમને આ ચોરી પકડવા માટે ઘણો સમય લાગ્યો. અમે અમારા સ્તર પર તપાસ હાથ ધરી. છ મહિનાનો સમય લાગ્યો. અમે બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠકની મહાદેવપુરા વિધાનસભા બેઠક પર મતદારોની યાદી ચકાસી. જ્યાં અમે 32707 મતથી હાર્યા હતા. આ એક બેઠક પર ભાજપ 1 લાખથી વધુ માર્જિનથી જીતી હોવાથી અમને શંકા ગઈ.
બેંગ્લુરૂમાં 1 લાખથી વધુ મતની ચોરી
બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભાની મહાદેવપુરા વિધાનસભા ચૂંટણીમાં 6.5 લાખ મતદાન થયું હતું. જેમાં એક લાખ મત વધુ હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે, એક લાખથી વધુ મતદારો ડુપ્લીકેટ હતા, તેમજ ઘણાના સરનામા ખોટા હતા. જેમાં વધુ તપાસ હાથ ધરતાં જણાયું કે, 40 હજાર મકાનોના સરનામા જ શૂન્ય છે. ડુપ્લિકેટ મતદારોની સંખ્યા વધુ છે. 11 હજાર લોકોએ ત્રણ વખત મત આપ્યો હતો. એક જ એડ્રેસ પર 46 લાખ મતદારો અને એક જ રૂમના ઘરમાં 80 મતદારો હતા.
ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, અમારી તપાસમાં મતદારોની યાદીમાં ગેરરીતિ જોવા મળી છે. જેમાં ઘણા લોકોના પિતાના નામની આગળ કંઈક લખવામાં આવ્યું છે. મતદાર યાદીમાં 40 હજાર મકાનોના સરનામા શૂન્ય છે. ડુપ્લીકેટ મતદારોની સંખ્યા અનેકગણી છે. 11 હજાર લોકો સંદિગ્ધ છે. જેમણે ત્રણ વખત મત આપ્યો છે. એક જ સરનામા પર 46 મતદારો છે. આ ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત છે.
આ પાંચ રીતથી થઈ રહી છે વોટ ચોરી
- ડુપ્લિકેટ વોટર્સ
- ફેક અને ઇનવેલિડ એડ્રેસ
- એક જ સરનામા પર બલ્ક વોટર્સ
- ઇનવેલિડ ફોટો
- ફોર્મ 6નો દુરુપયોગ