'દેશના બે ટુકડા કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો...', રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર

Bihar Election 2025: બિહારમાં ચૂંટણી પ્રચાર અભિયાન ચાલુ હતું તે દરમિયાન, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ઔરંગાબાદ ખાતે એક વિશાળ જાહેરસભાનું સંબોધન કર્યું. આ રેલીમાં તેમણે કેન્દ્રની મોદી સરકાર પર તીખા પ્રહારો કર્યા અને ભારપૂર્વક કહ્યું કે સરકારે દેશની તમામ સરકારી કંપનીઓનું વેચાણ કરીને બધું જ અદાણી-અંબાણી જેવા ઉદ્યોગપતિને સોંપી દીધું છે.
પેપર લીકઃ 'આવું બિહાર નથી જોઈતું'
રાહુલ ગાંધીએ આ મામલે વધુમાં કહ્યું કે, 'તમે ગમે તેટલો અભ્યાસ કરી લો, પણ પરીક્ષાના બે દિવસ પહેલા પેપર લીક થઈ જાય છે. એવું બિહાર અમને નથી જોઈતું. આજે દેશમાં હિન્દુસ્તાનના બે ટુકડા કરી દીધા છે...એક સૂટ-બૂટવાળા અદાણી-અંબાણીનું અને બીજું ગરીબો, ખેડૂતો અને મજૂરોનું.' કોંગ્રેસ નેતાએ પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું, 'મોદીજી ધનિકોના લગ્નમાં જાય છે, તેમની સાથે નાચે છે અને ગાય છે. તમે ક્યારેય તેમને કોઈ ખેડૂતને ગળે મળતા જોયા છે? કોઈ મજૂરનો હાથ પકડતા જોયા છે?'
કોંગ્રેસ નેતાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું
કોંગ્રેસ નેતાએ કહ્યું, 'જો બંધારણ નહીં બચે તો દેશમાં માત્ર પીએમ મોદી અને અદાણી-અંબાણી જ બચશે. બાકી બધાના હક છીનવાઈ જશે. સરકારની વીમા યોજનાઓ હવે ખેડૂતો પાસેથી પૈસા લઈને પ્રાઇવેટ કંપનીઓને આપવાની નવી રીત બની ગઈ છે.' રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, 'મોદીજીએ છઠ્ઠના અવસરે સ્નાન માટે પોતાના માટે અલગથી સ્વચ્છ પાણી મંગાવ્યું અને સામાન્ય બિહારી લોકોને યમુનાના પ્રદુષિત પાણીમાં સ્નાન કરવું પડ્યું.' આ ઉપરાંત બિહાર માટે આગામી યોજનાઓ વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અમારું લક્ષ્ય છે કે બિહારમાં રોજગાર પેદા થાય, તેમજ બૅન્કના દરવાજા દરેક માટે ખુલે, ન કે માત્ર અદાણી-અંબાણી માટે.'
આ પણ વાંચો: બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, પાંચથી વધુના મોતની આશંકા
INDIA ગઠબંધન પર રાહુલ ગાંધી શું બોલ્યા?
રાહુલ ગાંધીએ ગઠબંધન વિશે વાત કરતાં કહ્યું કે, 'INDIA ગઠબંધનની સરકાર આવશે તો બિહારમાં નાલંદા યુનિવર્સિટી જેવી નવી વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓ બનાવવામાં આવશે, જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ પણ ભણવા આવશે.' તેમજ યુવાનો વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે 'નોટબંધી અને ખોટા GSTએ બિહારના યુવાનો પાસેથી રોજગાર છીનવી લીધો છે. આજે પરિસ્થિતિ એવી છે કે લોકો રીલ બનાવી રહ્યા છે કારણ કે નોકરી નથી. બિહારમાં મોદીજીએ ખેડૂતો પાસેથી જમીન છીનવીને ધનિકોને આપી દીધી છે.'

