રાહુલ ગાંધી યુરોપિયન યુનિયનના સાંસદોને મળ્યા, મણિપુર મુદ્દે ચર્ચા, આજે પેરિસમાં મીડિયાને સંબોધિત કરશે
નવી દિલ્હી,તા.8.સપ્ટેમ્બર,2023
ભારતમાં જી-20 સંમેલન માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી યુરોપના દેશોના પ્રવાસે છે.રાહુલ ગાંધીએ બેલ્જિયમથી પ્રવાસની શરુઆત કરીને્ યુરોપિયન યુનિયનના સાંસદો જોડે બંધ ઓરડામાં બેઠક યોજી હતી.
રાહુલ ગાંધીએ જે મુદ્દા પર યુરોપના સાંસદો સાથે ચર્ચા કરી હતી તેમાં મણિપુરના તોફાનોનો મુદ્દો પણ સામેલ છે.આ પહેલા જુલાઈમાં યુરોપિયન યુનિયને મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અ્ને પોતાની સંસદમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો.
કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, રાહુલ ગાંધીની સાંસદો સાથેની બેઠક સફળ રહી હતી.એ પછી રાહુલ ગાંધીએ માનવાધિકારોના મુદ્દા પર સામાજીક સંગઠનો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.એ પછી તેઓ ફ્રાંસ જવા રવાના થયા હતા.આજે તેઓ રાજધાની પેરિસમાં મીડિયાને સંબોધિત કરવાના છે.
11 સપ્ટેમ્બરે તેઓ નોર્વે જવાના છે.નોર્વેની રાજધાની ઓસ્લોમાં તેઓ સાંસદો સાથે મુલાકાત કરશે તેમજ ભારતીય મૂળના લોકોને પણ મળશે.ઓસ્લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે પણ રાહુલ ગાંધી સંવાદ કરશે.રાહુલ ગાંધીના કાર્યક્રમનુ આયોજન ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યુ છે. રાહુલ ગાંધી જી-20 સંમેલન સમાપ્ત થશે તેના એક દિવસ બાદ એટલે કે 12 સપ્ટેમ્બરે ભારત પાછા ફરશે.