રાહુલ ગાંધીનો ફરી બફાટ : ગૌતમ અદાણીને કેરલનું વિઝીન્જીમ બંદર રૂપાની થાળીમાં આપી દીધું
- તે તો કેરલની કોંગ્રેસ સરકારે આપ્યું હતું તેને કેન્દ્રની ભાજપ સરકાર સાથે લેવા દેવા નથી : નિર્મલા સીતારામન
બેંગલુરૂ : કેન્દ્રનાં વિત્તમંત્રી નીર્મલા સીતારામને કોંગ્રેસના નેતા, રાહુલ ગાંધી ઉપર આજે સખતમા સખત પ્રહારો કર્યા હતા. તેમણે બેંગલુરૂમાં પત્રકારો સમક્ષ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી વારંવાર વડા પ્રધાન મોદી ઉપર પ્રહારો કરી રહ્યા છે. તે બધા જ પાયા વિહોણા છે. ૨૦૧૯ની ચૂંટણી પૂર્વે પણ તેઓ આમ જ કરી રહ્યા હતા. તેઓ વારંવાર ભૂલો કરે છે, અપરાધો કરે છે.
વડાપ્રધાન મોદી ઉપરના આક્ષેપો ખોટા ઠર્યા પછીએ તેઓ સુધર્યા નથી. અદાણી મુદ્દે સંસદમાં જાગેલાં તોફાનોની ટીકા કરતાં તેમણે કહ્યું અદાણીને બધુ અપાઈ રહ્યું છે, તેવા આક્ષેપો પણ ખોટા છે. કેરલનું વિઝીન્જીમ બંદર અદાણીને રૂપાની થાળીમાં આપવામાં આવ્યું છે. તેવો કેન્દ્રની ભાજપ સરકાર ઉપરનો આક્ષેપો તો તદ્દન ખોટો છે, કારણ કે તે તો કેરલની કોંગ્રેસ સરકારે આપ્યું હતું. કેન્દ્રની (ભાજપ) સરકારને તેની સાથે કોઈ લેવા દેવા નથી.
અદાણી અંગે પૂછેલા પ્રશ્ને નિર્મલા સીતારામને કહ્યું હતું કે કેરલમાં જે બંદર આપવામાં આવ્યું હતું તે ટેન્ડરો સિવાય જ અપાયું હતું. તે ત્યાંની કોંગ્રેસ સરકારે આપ્યું છે.
રાજસ્થાનમાં સમગ્ર સોલર પ્રોજેક્ટ અદાણીને આપવામાં આવ્યો છે. તે અંગે બોલતાં રાહુલ ગાંધીને કોણ રોકે છે ? તે કેન્સલ કરાવતાં પણ તેમને કોણ રોકે છે ? ૨૦૧૩માં તે સમયના વડાપ્રધાન મનમોહન સિંહે એક અધ્યાદેશ જારી કરાવ્યો હતો. તે નોન સેન્સ કહી રાહુલ ગાંધીએ જ કચરા ટોપલીમાં નાખી દીધો હતો. તેવી જ રીતે રાજસ્થાન સરકારની કાર્યવાહી રદ્દ કરતાં રાહુલ ગાંધીને કોણ રોકે છે ?
અદાણી મુદ્દે વિપક્ષોએ જગાવેલી ધમાલ ધાંધલ વિષે સીતારામને કહ્યું હતું કે મમતા બેનર્જીએ તો અદાણીને આવકાર્યા હતા. વાસ્તવમાં વિપક્ષો પાસે કોઈ મુદ્દો જ નથી તેથી આવા મુદ્દાઓ ચગાવ્યા કરે છે તેમ પણ વિત્તમંત્રીએ કહ્યું હતું.