રાહુલ ગાંધીના સમર્થનમાં તમામ સાંસદો આપશે રાજીનામું ! કોંગ્રેસની બેઠકમાં મુકાયો પ્રસ્તાવ : પ્રિયંકા, જયરામ રમેશે પણ કહ્યું...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે કરાયેલી કાર્યવાહીને કોંગ્રેસે ભાજપનું રાજકીય ષડયંત્ર ગણાવ્યું
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની એક સાથે બેઠક યોજાઈ, બેઠકમાં વિરોધ પ્રદર્શન કરવાના પ્રસ્તાવ પર થઈ ચર્ચા
Image - Twitter |
નવી દિલ્હી, તા.24 માર્ચ-2023, શુક્રવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં 2 વર્ષની સજા જાહેર કરાયા બાદ તેમનું સંસદીય સભ્યપદ રદ કરાયું છે, જેને લઈને કોંગ્રેસના તમામ નેતાઓ રોષે ભરાયા છે. રાહુલ પર કરાયેલી આ કાર્યવાહી પર પાર્ટીના નેતાઓ હવે બેઠકમાં સામેલ થયા છે અને આગળની રણનીતિની યોજના બનાવી રહ્યા છે. સૂત્રો અનુસાર કોંગ્રેસની બેઠકમાં એક સાંસદે એવો પ્રસ્તાવ મુક્યો છે કે, તમામ સાંસદોએ રાજીનામું આપી દેવું જોઈએ. જો કે આ પ્રસ્તાવ પર હજુ સુધી કોઈ ફાઈનલ નિર્ણય લેવાયો નથી.
...તો ભાજપને આપોઆપ જવાબ મળી જશે : પ્રિયંકા ગાંધી
સુત્રો મુજબ પ્રિયંકા ગાંધીએ આ બેઠકમાં જણાવ્યું કે, કર્ણાટકની ચૂંટણીમાં પૂરી તાકાત દેખાડવી પડશે. જો પાર્ટી કર્ણાટકમાં ચૂંટણી જીતી જશે તો ભાજપને તેનો જવાબ આપોઆપ મળી જશે. તેમણે એમ પણ કહ્યું કે, આગળ શું કરવું, તે માટે એક કમિટી બનાવાશે... ત્યારબાદ કમિટી જ જોશે કે શું નિર્ણય લેવા જોઈએ... જો કે આ બેઠકમાં રાજ્યની વિધાનસભાઓમાં વિરોધ પ્રદર્શન કરવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ છે.
કોંગ્રેસ ભારત જોડો યાત્રાની જેમ દેશભરમાં કાર્યક્રમો યોજશે : જયરામ રમેશ
દરમિયાન આ મામલે જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, રાહુલ ગાંધીના સમર્થનમાં યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયા બાદ રાજકીય રણનીતિ પર ચર્ચા થઈ છે. તો સિંઘવીએ પણ તમામ નેતાઓને આ સમયગાળા દરમિયાન શું પગલા લેવા જોઈએ તે અંગે જાણકારી આપી હતી. જયરામે વધુમાં જણાવ્યું કે, ભારત જોડો યાત્રાથી પાર્ટીમાં નવો ઉત્સાહ આવ્યો છે. હવે આ પ્રકારના રાજકારણ અંગે દેશભરમાં કાર્યક્રમો યોજવાનું કોંગ્રેસ વિચારી રહી છે.
રાહુલ ગાંધી પર બુલેટ ટ્રેન કરતા પણ ઝડપથી કાર્યવાહી કરાઈ : જયરામ રમેશ
કેન્દ્ર સરકાર દ્વારા કાયદાકીય સંસ્થાઓ પર દબાણ કરવાનો આક્ષેપ કરતાં જયરામ રમેશે જણાવ્યું કે, રાહુલ ગાંધી પર બુલેટ ટ્રેન કરતા પણ ઝડપથી કાર્યવાહી કરાઈ છે... રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે PM મોદી સરકારને ઘેરી હતી, જેના થોડા દિવસોની અંદર જ તેમને સજા સંભળાવાઈ છે અને સભ્યપદ રદ કરાયું છે. જયરામ રમેશે કહ્યું કે, પાર્ટી સોમવારથી દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે. હાલમાં કમિટી કાર્યક્રમની તૈયારી કરી રહી છે. દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે એક અલગ બેઠક થઈ છે, જેમાં મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, રણદીપ સુરજેવાલા અને કે.સી.વેણુગોપાલ જેવા મુખ્ય નેતાઓ સામેલ છે.