સાંસદ પદ રદ થતાં રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું
સુરત કોર્ટ દ્વારા ગઈકાલે જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી
સજાના નિર્ણય બાદ આજે લોકસભા સભ્યપદ રદ કરાયા બાદ રાહુલ ગાંધીએ પ્રથમ પ્રતિક્રિયા આપી
નવી દિલ્હી, તા.24 માર્ચ-2023, શુક્રવાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈ હાલ મોટો વિવાદ ચાલી રહ્યો છે. સુરત કોર્ટ દ્વારા ‘મોદી સરનેમ’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવાનો ગુરુવારે નિર્ણય કરાયો હતો, તો આજે આ વિવાદને લઈ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર પ્રથમ પ્રતિક્રિાય આપી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.’
રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ કરાયું રદ
ઉલ્લેખનિય છે કે, સુરત કોર્ટ દ્વારા ગઈકાલે રાહુલ ગાંધીને બે વર્ષના સજા સંભળાવ્યા બાદ આજે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરાયું છે, જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાહુલ ગાંધીના સભ્ય પદને લઈ લોકસભા સચિવાલય દ્વારા પણ આદેશ જારી કરાયો છે. રાહુલને સુરતની એક કોર્ટે માનહાની કેસમાં ગુરૂવારે દોષિત ઠેરવીને 2 વર્ષની કેદની સજા જાહેર કરી હતી. રાહુલ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ‘મોદી સરનેમ’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ હતો. આ મામલામાં ગુજરાતના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાયો હતો.
રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાએ 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો.