જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી? મજાકમાં તેજસ્વી યાદવને જુઓ શું કહ્યું, હાજર સૌ કોઈ હસી પડ્યા
Rahul Gandhi Wedding Comment: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં વોટર અધિકાર યાત્રા પર છે. આ યાત્રામાં બિહારના અરરિયા જિલ્લામાં એક પ્રેસ કોન્ફરન્સ કરતાં તે મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના લગ્ન વિશે ટીપ્પણી કરતાં માહોલ હળવો બન્યો હતો.
વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી સાથે આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને મહાગઠબંધનના અન્ય નેતા સામેલ છે. રવિવારે રાહુલ ગાંધી બિહારના અરરિયા જિલ્લામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેજસ્વી યાદવે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન પર નિશાન સાધતા હળવી મજાક કરી હતી કે, ચિરાગ પાસવાન એક વ્યક્તિ વિશેષના હનુમાન છે. જ્યારે અમે પ્રજાના હનુમાન છીએ. ચિરાગ પાસવાસ આજનો મુદ્દો નથી. હું તેમને સલાહ આપીશ કે, તે અમારા મોટા ભાઈ છે. બને તેટલી ઝડપથી તેમણે લગ્ન કરી લેવા જોઈએ.
આ પણ વાંચોઃ 'પ્રજાના દબાણ કે ઈચ્છાના આધારે ચુકાદા ન આપી શકાય..' CJI બી.આર.ગવઇનું મોટું નિવેદન
રાહુલ ગાંધીએ પણ કરી મજાક
તેજસ્વીની આ ટીપ્પણી પર ત્યાં ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ તુરંત ટીપ્પણી કરી હતી કે, આ વાત મારા પર પણ લાગુ થાય છે. રાહુલ ગાંધીનો આ જવાબ સાંભળતાં તમામ લોકો જોર-જોરથી હસવા લાગ્યા હતાં. તમામ નેતાઓ અને પત્રકારોએ હળવા માહોલનો આનંદ લીધો હતો. રાહુલ ગાંધીની લગ્ન સંબંધિત વાત ચર્ચાનો વિષય બની છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે, રાહુલ ગાંધી જલ્દીથી લગ્ન કરવા જઈ રહ્યા છે.
વોટ ચોરીનો વિરોધ
રાહુલ ગાંધી વોટ ચોરીનો વિરોધ કરતાં દેશભરમાં વોટર અધિકાર યાત્રા ઝુંબેશ શરૂ કરી છે. જેનો એક ઉદ્દેશ બિહારમાં મતદારોમાં જાગૃત્તિ તેમજ તેમના અધિકારોને મજબૂત બનાવવાના ઉદ્દેશ પણ છે. આ યાત્રા દરમિયાન વિવિધ જિલ્લામાં જનસભાઓ અને પ્રેસ કોન્ફરન્સ યોજી સંવાદ કરી રહ્યા છે. તેજસ્વી યાદવ અને અન્ય I.N.D.I.A મહાગઠબંધનના નેતાઓ પણ સામેલ થયા છે.