રાહુલ ગાંધી એક્ટિવ મોડમાં, કન્હૈયા કુમારની 'પલાયન રોકો, નોકરી દો' યાત્રામાં જોડાયા
Rahul Gandhi In Bihar: બિહારમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી છે. કોંગ્રેસ પાર્ટી વર્ષની શરૂઆતથી જ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત બિહારની મુલાકાત લીધી છે. રાહુલ ગાંધી આજે સાત એપ્રિલે બેગૂસરાયમાં ચાલી રહેલી કન્હૈયા કુમારની 'પલાયન રોકો, નોકરી દો' પદયાત્રામાં સામેલ થયાં છે. કન્હૈયા કુમારની પદયાત્રામાં રાહુલ ગાંધી સામેલ થતાં જ કોંગ્રેસ સમર્થકો ઉત્સાહમાં આવ્યા છે. પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો સામેલ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીનો બેગૂસરાયથી પટના જશે. જ્યાં તેઓ બંધારણ સુરક્ષા સંમેલનમાં સામેલ થઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરશે.
જાણકારી અનુસાર, રાહુલ ગાંધી સૌથી પહેલાં બેગૂસરાય પહોંચશે. જ્યાં સુભાષ ચોક પર કન્હૈયા કુમારની 'પલાયન રોકો, નોકરી દો' પદયાત્રામાં સામેલ થશે. ત્રણ કિમી સુધી પદયાત્રા કરતી વખતે રાહુલ ગાંધી જનસંપર્ક કરશે. અને તેમની સમસ્યાઓ સાંભળશે. ત્યારબાદ તે બેગૂસરાયથી પટના જવા રવાના થશે, જ્યાં શ્રીકૃષ્ણ મેમોરિયલ હોલમાં આયોજિત બંધારણ સુરક્ષા સંમેલનમાં ભાગ લેશે.
આ પણ વાંચોઃ વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન
સદાકત આશ્રમની મુલાકાત લેશે
બંધારણ સુરક્ષા સંમેલનમાં ભાગ લીધા બાદ રાહુલ ગાંધી બિહાર કોંગ્રેસ કાર્યાલય સદાકત આશ્રમ જશે. રાહુલ ગાંધી સદાકત આશ્રમમાં બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે બિહાર કોંગ્રેસમાં પ્રદેશ પ્રભારીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની નવી નિમણૂકો બાદ રાહુલ ગાંધીનો આ પ્રથમ બિહાર પ્રવાસ છે. બિહાર કોંગ્રેસની નવી ટીમ સાથે રાહુલ ગાંધીની આ પ્રથમ મુલાકાત હશે. રાહુલ ગાંધીની આ બેઠક અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.
ચાર મહિનામાં ત્રીજી મુલાકાત
છેલ્લા ચાર મહિનામાં રાહુલ ગાંધીની બિહારની આ ત્રીજી મુલાકાત છે. રાહુલ ગાંધી 18 જાન્યુઆરીએ પટના આવ્યા હતા અને બંધારણ સુરક્ષા સંમેલનમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પણ ફેબ્રુઆરીની શરૂઆતમાં પટના આવ્યા હતા. ત્યારબાદ તેમણે શ્રી કૃષ્ણ મેમોરિયલ હોલ, પટના ખાતે આયોજિત જગલલાલ ચૌધરી જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી.