રાહુલ ગાંધીએ PM મોદી અને આસામના CM પર વાંધાજનક ટિપ્પણી કરતાં હિમંતા બિસ્વા સરમા ભડક્યા
Assam Political News : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આસામના ચાયગાંવમાં કાર્યકર્તાઓને સંબોધી ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર વાંધાજનક ટિપ્પણી કરતાં આસામના મુખ્યમંત્રી પ્રતિક્રિયા આપી છે. હિમંતાએ રાહુલ પર નોંધાયેલા કેસોનો ઉલ્લેખ કરી વળતો જવાબ આપ્યો છે.
આસામના મુખ્યમંત્રી પોતાને રાજા સમજે છે : રાહુલ ગાંધી
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, ‘આજે જે આસામમાં થઈ રહ્યું છે, તે દેશભરમાં થઈ રહ્યું છે. અહીંના મુખ્યમંત્રી પોતાને રાજા સમજે છે. જો તમે તેમનો અવાજ સાંભળશો, તેમની આંખોમાં જોશો તો તમને તેની પાછળ ડર દેખાશે. તેઓ મોટી-મોટી વાતો કરે છે, બુમો પાડે છે, પરંતુ તેમના દિલમાં ડર છે. કારણ કે તેઓ જાણે છે કે, એક દિવસ કોંગ્રેસના બબ્બર શેર તેમને જેલમાં ધકેલી દેશે. હિમંતાએ પોતે કરેલા તમામ ભ્રષ્ટાચારનો હિસાબ આસામની પ્રજાને આપવો પડશે.’
‘હિમંતાની જેમ વડાપ્રધાન મોદી પણ નહીં બચી શકે’
તેમણે કહ્યું કે, ‘હું જે બોલું છું, તે થાય છે. મેં કોવિડ, નોટબંદી, ખોટી જીએસટી સમયે જે બોલ્યું હતું, તેનું પરિણામ તમામ લોકોએ જોયું. હું આજે કહી રહ્યો છું કે, મીડિયાના લોકો થોડા સમયમાં તમારા મુખ્યંત્રીને જેલમાં જતા દેખાડશે અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ નહીં બચાવી શકે. આ કામ કોંગ્રેસ (Congress) પાર્ટી નહીં, પરંતુ આસામના યુવા, ખેડૂત, શ્રમિકો અનેતમામ વર્ગના લોકો કરીને દેખાડશે. કારણ કે તેઓ જાણે છે કે, આ વ્યક્તિ ભ્રષ્ટ છે. આ વ્યક્તિ 24 કલાક આસામની જમીન ચોરી કરે છે, ક્યાંક સોલાર પાર્કના નામે તો ક્યાંક રિસોર્ટ બનાવવાના બહાને... આ કામ આસામનું દરેક બાળક જાણે છે.’
રાહુલ ગાંધીના નિવેદન પર આસામના મુખ્યમંત્રીએ આપ્યો જવાબ
કોંગ્રેસ સાંસદના નિવેદન બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (Assam CM Himanta Biswa Sarma)એ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી આસામ આવી મને જેલમાં ધકેલવાની વાત કરે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે, તેઓ પોતે જામીન પર બહાર છે.
હિમંતાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘લખીને રાખજો... હિમંતા બિસ્વા સરમાને જેલ મોકલીને રહીશું... આ તે વાક્ય છે, જે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે. તેમણે આસામ કોંગ્રેસની રાજકીય મામલાની સમિતિની બંધ બારણે યોજાયેલી બેઠકમાં આ કહ્યું છે, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે, તેઓ પોતે અનેક ગુનાહિત કેસમાં જામીન પર છે. મારી શુભેચ્છા તેમની સાથે છે. રાહુલજી, આજના દિવસે આસામની મહેમાનગતિનો આનંદ માણો...’
'બિહારમાં મતદાર યાદીમાંથી લાખો લોકોના નામ કાઢવામાં આવી રહ્યા છે'
રાહુલ ગાંધીએ બિહારમાં મતદાર યાદી સુધારણા અંગે કહ્યું કે, ‘ભાજપ (BJP) અને ચૂંટણી પંચે મહારાષ્ટ્રની ચૂંટણીઓ ચોરી કરી, બિહારમાં પણ આવું જ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ લોકો હવે બિહારમાં નવી મતદાર યાદી તૈયાર કરી રહ્યા છે. લાખો લોકોને તે મતદાર યાદીમાંથી કાઢવામાં આવી રહ્યા છે. તેમાં ગરીબો, મજૂરો, ખેડૂતો અને કોંગ્રેસ-રાજદના મતદારોનો સમાવેશ થાય છે. અમે બિહારમાં આનો વિરોધ કરી રહ્યા છીએ અને તેમના પર દબાણ લાવી રહ્યા છીએ. આ લોકો આસામમાં પણ આવું જ કરશે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં.’