દરેક જિલ્લામાં કોંગ્રેસનો મજબૂત પ્લાન તૈયાર, ગુજરાતથી અમલ શરુ: રાહુલ ગાંધી
Rahul Gandhi Talks With Tribal Representatives: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે આદિવાસી નેતૃત્વને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે દરેક જિલ્લામાં આદિવાસીના કલ્યાણ માટે પ્રમુખની પસંદગી કરવાના પ્લાન વિશે જણાવતાં કહ્યું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીને ચલાવશે. સાથે તે પાર્ટીને મજબૂત બનાવવા કામ કરશે.
કોંગ્રેસે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો રજૂ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધી આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરતાં જોવા મળ્યા છે. જેમાં તેમણે આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જળ, જંગલ અને જમીનની સાથે બંધારણીય અધિકારો માટે તેમનો સંઘર્ષ સતત ચાલુ છે. સામાજિક અન્યાય, ડિજિટાઇજેશનના કારણે જમીન છીનવાઈ જવી જેવી સમસ્યાઓથી આદિવાસી ત્રસ્ત છે. અમે આદિવાસી વર્ગને ન્યાય અપાવવા માટે તેમની સાથે ઊભા છીએ. તેમના અધિકારો માટે લડતાં રહીશું.
આદિવાસીના કલ્યાણ માટે કામ કરીશુંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધી આદિવાસી સમાજના પ્રતિનિધિઓને કહી રહ્યા હતા કે, હું તમને પહેલાં જ જણાવી દેવા માગું છું કે, મારી રુચિ શું છે. અમે આદિવાસીઓની લીડરશીપ તૈયાર કરીશું. જેના માટે હું તમારી કોંગ્રેસ પાર્ટીમાં મદદ લઈશ. જે વાસ્તવમાં આદિવાસીઓના પુનરોત્થાન માટે કામ કરવા માગે છે. તેને આગળ કરીશું. તેના માટે આપણે સૌએ સંગઠિત થવું પડશે. જે લોકો ડાયનેમિક છે, જે લોકો આદિવાસી માટે લડવા માગે છે. તેમને આગળ કરીશું. જેની શરુઆત અમે ગુજરાતમાં કરી દીધી છે.
ગુજરાતમાં શરુ કરી પહેલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે નવું પગલું લીધું છે. અમે ગુજરાતમાં શરુઆત કરી છે. તેમાં અમે 41 નવા જિલ્લા પ્રમુખ પસંદ કર્યા છે. જિલ્લા પ્રમુખમાં આદિવાસી, દલિત, પછાત, સામાન્ય જાતિ સહિત તમામ લોકોનો સમાવેશ થશે. અમે જિલ્લા પ્રમુખને સત્તા આપવા જઈ રહ્યા છીએ, જે ત્યાં કોંગ્રેસ ચલાવશે અને તેનું રક્ષણ કરશે. તે અમારી વિચારધારાનું રક્ષણ કરશે અને સભ્યપદ વધારશે. જિલ્લા પ્રમુખ અમારા નોડલ અધિકારી બનશે અને અમે ભારતના દરેક જિલ્લામાં આ કરી રહ્યા છીએ. જોકે, સૌથી મોટી સમસ્યા ત્યારે આવે છે જ્યારે અમદાવાદ કે દિલ્હીથી નિર્ણય લેવામાં આવે છે અને તેમાં બનાસકાંઠા માટે કંઈ નથી. તેથી જ અમે ઇચ્છીએ છીએ કે નિર્ણય ફક્ત બનાસકાંઠા કે અમદાવાદથી જ લેવામાં આવે. અમે જિલ્લા પ્રમુખ અને તેમની સમિતિને મજબૂત બનાવીશું અને તેમને નાણાકીય સહાય પણ આપીશું, જેથી તેમના દ્વારા આપણે પાર્ટી સ્થાપિત કરી શકીએ. આ અમારી યોજના છે."
આદિવાસી જિલ્લામાં એકમનો અધ્યક્ષ બનાવીશું
રાહુલ ગાંધી આગળ કહ્યું કે, "બીજી યોજના એ છે કે જો કોઈ આદિવાસી જિલ્લો હોય અને કોઈને તે એકમનો અધ્યક્ષ બનાવવામાં આવે, તો તેને ટિકિટની ફાળવણી પણ કરવામાં આવશે. અમે આ મુદ્દે કામ કરી રહ્યા છીએ અને અમે ઇચ્છીએ છીએ કે દરેક રાજ્યમાં 10થી 15 આદિવાસી નેતાઓ જોવા મળે."