પંજાબમાં AAPનું ગણિત બગડ્યું! રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાંસદોના પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AAP Crisis : ભારતીય રાજકારણમાં શુક્રવારનો દિવસ આમ આદમી પાર્ટી (AAP) માટે કોઈ કાળા દિવસથી ઓછો નથી. પાર્ટીનો યુવા ચહેરો ગણાતા રાઘવ ચઢ્ઢાએ AAPમાંથી રાજીનામું આપીને ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ જેવા દિગ્ગજોએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. ચઢ્ઢાએ દાવો કર્યો છે કે 10માંથી 7 સાંસદો તેમની સાથે છે, જે ટેકનિકલી પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે પૂરતા છે. આ ઘટનાક્રમથી રાજ્યસભામાં આખી AAPનો વેરવિખેર થવો નક્કી છે, જે અરવિંદ કેજરીવાલ માટે અત્યાર સુધીની સૌથી મોટી મુસીબત બનીને સામે આવ્યો છે.
પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો
1... રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલના નેતૃત્વ પર સીધો પ્રહાર: રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, ‘જે પાર્ટીને 15 વર્ષ સુધી લોહી-પરસેવાથી ઊભી કરી, તે હવે પોતાના મૂળ માર્ગથી ભટકી ગઈ છે. AAP હવે દેશહિતને બદલે વ્યક્તિગત ફાયદા માટે કામ કરી રહી છે.’ તેમણે પોતાને ‘ખોટી પાર્ટીમાં સાચી વ્યક્તિ’ ગણાવી સંકેત આપ્યો કે પાર્ટીની અંદર લાંબા સમયથી બધું બરાબર નહોતું. આ નિવેદન લાખો કાર્યકર્તાઓનું મનોબળ તોડી શકે છે.
2... રાઘવ ચઢ્ઢાની મોટી ગેમ, કેજરીવાલ મુશ્કેલીમાં: રાજ્યસભામાં આમ આમદી પાર્ટી પાસે 10 સાંસદો હતા, જે તેને ઉપલા ગૃહમાં મજબૂત તાકાત બનાવતા હતા. ચઢ્ઢાએ દાવો કર્યો છે કે, તેમની સાથે 2-3થી વધુ એટલે કે 7 સાંસદો છે, જેમાં હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલ જેવા મોટા નામ સામેલ છે. બંધારણીય નિયમો મુજબ, જો 2/3 સભ્યો અલગ થઈને બીજી પાર્ટીમાં ભળે તો તેમની સદસ્યતા રદ થતી નથી. આ કાયદાકીય દાવપેચનો ઉપયોગ કરી ચઢ્ઢાએ કેજરીવાલને મુશ્કેલી મૂકી દીધા છે.
3... AAPના ચાણક્યએ પણ કેજરીવાલનો સાથ છોડ્યો: સંદીપ પાઠકને આમ આદમી પાર્ટીના ‘ચાણક્ય’ માનવામાં આવતા હતા. પંજાબમાં ભવ્ય જીત અને પાર્ટીને રાષ્ટ્રીય ઓળખ અપાવવામાં તેમનો સૌથી મોટો ફાળો હતો. પાઠકે કહ્યું કે, તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને દેશ માટે કંઈક સાર્થક કરવા માંગતા હતા, પરંતુ હવે AAPમાં તેવું વાતાવરણ રહ્યું નથી. પાઠકની વિદાયથી ચૂંટણી વ્યવસ્થાપન અને બૂથ લેવલ સુધી કાર્યકર્તાઓને એકજૂઠ રાખનાર હવે કોઈ નેતા કેજરીવાલ પાસે બચ્યો નથી.
4... પંજાબની ભગવંત માન સરકાર પર સંકટના વાદળ: સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે, ભાજપ ‘ઓપરેશન લોટસ’ દ્વારા ભગવંત માન સરકારને તોડવા માંગે છે. રાજ્યસભાના સાત સાંસદોનું જવું સંકેત છે કે પંજાબમાં પણ સ્થિતિ સામાન્ય નથી, કારણ કે આ સાતેય સાંસદો પંજાબનું પ્રતિનિધિત્વ કરે છે. રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડતા હવે પંજાબના કેડરમાં મોટી ગાબડું પડી શકે છે. જો આ બગાવત પંજાબના ધારાસભ્યો સુધી પહોંચશે તો ભગવંત માન માટે ખુરશી બચાવવી અશક્ય બની જશે.
5... ચઢ્ઢાએ મોદી સરકારના વખાણ કર્યા: રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના જોરદાર વખાણ કર્યા છે. જે ચઢ્ઢા અત્યાર સુધી કેન્દ્ર સરકારના પ્રખર ટીકાકાર હતા, તેમનો હવે યુ-ટર્ન લઈ લીધો છે. કેજરીવાલ પોતાને PM મોદીનો વિકલ્પનો દાવો કરતા હતા, તેમના જ ખાસ સાથીઓ હવે મોદીના નેતૃત્વમાં દેશસેવાની વાત કરી રહ્યા છે.
આ પણ વાંચો : પંજાબીઓ સાથે ભાજપે ફરી દગો કર્યો, રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા
સંજય સિંહે પક્ષ પલટો કરનારાને ગદ્દાર ગણાવ્યા
સંજય સિંહે આ નેતાઓને ગદ્દાર ગણાવીને પીઠમાં છરો ભોંક્યો હોવાનો આક્ષેપ કર્યો છે, પરંતુ જનતા હવે સવાલ પૂછી રહી છે કે, જો કેજરીવાલ પોતાના સૌથી ભરોસાપાત્ર સાથીઓને સાથે નથી રાખી શકતા તો તેઓ દેશ કેવી રીતે ચલાવશે? ભ્રષ્ટાચારના આરોપો અને સાંસદોની સામૂહિક બગાવતે પાર્ટીની શાખને મોટું નુકસાન પહોંચાડ્યું છે. હવે કેજરીવાલ આ કાટમાળમાંથી પાર્ટીને ફરી ઊભી કરી શકશે કે આ AAPના પતનનો આરંભ છે, તે તો સમય જ બતાવશે.









