VIDEO: રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું?
Rahul Gandhi And Dinesh Pratap Singh: ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ) બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ અને રાહુલ ગાંધી વચ્ચે ચડસાચડસી થઈ હતી. જેનો વીડિયો વાઇરલ થયો છે.
રાહુલ ગાંધીની રાયબરેલીની બે દિવસીય મુલાકાતનો વિરોધ કરતાં ગઈકાલે દિનેશ પ્રતાપ સિંહ અને તેમના સમર્થકોએ 'પાછા જાઓ'નો સૂત્રોચ્ચાર કરી ધરણાં ધર્યા હતા. ત્યારબાદ આજે યોજાયેલી દિશા બેઠકમાં દિનેશ પ્રતાપ સિંહ અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. દિનેશ સિંહે આ બેઠક અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધી દિશા બેઠકના મુદ્દાથી અલગ મુદ્દાઓ પર વાત કરવા માગતા હતા. અમે તેમને કહ્યું હતું કે, તેઓ દિશાના જે નિયમ છે, તે અંતર્ગત માત્ર બેઠક કરી શકે છે. રાહુલ ગાંધી દિશાના સુપરવાઇઝર છે. જો કોઈ તેના માલિક બનવાનો પ્રયાસ કરશે તો અમે ચલાવી લઈશું નહીં.
વીડિયોમાં રાહુલ ગાંધી અને દિનેશ સિંહ દલીલ કરતાં જોવા મળે છે. જેમાં રાહુલ કહી રહ્યા હતા કે, હું તેનો અધ્યક્ષ છું. આવું થોડી ચાલે. પરંતુ દિનેશ સિંહે સામે વળતો જવાબ આપ્યો કે, હું આ મંચનો રાજનીતિ માટે ઉપયોગ થવા નહીં દઉં, એવું ક્યાંય લખ્યું નથી. દિશાના જે 43 કાર્યક્રમ છે, તેની બહાર બેઠક થવા દઈશ નહીં.
આ પણ વાંચો- રાહુલ ગાંધી જુનાગઢ પહોંચ્યા, નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને નેતૃત્વ-સંગઠનના પાઠ શીખવશે
રાહુલ ગાંધી અને દિનેશ સિંહના પુત્રની એક તસવીર પણ વાઇરલ
રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ દિશાની બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્યો અને તમામ બ્લોક પ્રમુખ સાથે રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યા હતા. પરંતુ દિનેશ સિંહના પુત્ર સાથે હાથ મિલાવતો ફોટો વાઇરલ થવા પર પણ દિનેશ સિંહે સ્પષ્ટતા આપી હતી કે, રાહુલ ગાંધીએ તમામ સાથે હાથ મિલાવ્યો હતો. પરંતુ અમુક ટીકાકારોએ મારા દીકરાની હાથ મિલાવવાનો ફોટો જ વાઇરલ કર્યો.
વધુમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં દિનેશ સિંહે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ અનુસાર, મારો દીકરો રાહુલ ગાંધીને પગે લાગી પ્રણામ કરવા માગતો હતો. તે તેના પિતાની ઉંમરના છે. પરંતુ કોંગ્રેસ પર પશ્ચિમી સંસ્કૃતિ હાવિ છે. ભાજપ ભારતની સંસ્કૃતિને પોષે છે અને અનુસરે છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી બુધવારે 10 સપ્ટેમ્બરના રોજ રાયબરેલીની બે દિવસીય મુલાકાત પર હતા. જેમાં તેઓ સંગઠન સ્તરની બેઠકો કરી રહ્યા છે. આજે બીજા દિવસે દિશાની બેઠકમાં હોબાળો થયો હતો.