India

પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 'સેરિમોનિયલ રીસેપ્શન'

By GS TEAM
5 Dec 20252 mins read
પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 'સેરિમોનિયલ રીસેપ્શન'

- આજનો સમગ્ર દિવસ ભરચક કાર્યક્રમોમાં જશે

- સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ મુર્મુ તેઓના માનમાં ભોજન સમારંભ યોજશે તે પછી રાત્રે નવ વાગે પુતિન રશિયા જવા રવાના થશે

નવી દિલ્હી : રશિયાના પ્રમુખ પુતિન ગુરૂવારે સાંજે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં એરપોર્ટ પર પહોંચી તેઓનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ ઉષ્મા સાથે પરસ્પરને ભેટયા હતા તે સાંજે જ મોદી અને પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મંત્રણા યોજાઈ હતી પછી મોદી તરફથી તેઓને ભવ્ય ડીનર અપાયું હતું.

આજે શુક્રવારે સવારે 11 વાગે પ્રમુખ પુતિનનું સેરેમોનિયલ રીસેપ્શન કરાયું.

આવું સેરિમોનિયલ રીસેપ્શન કોઈ વિશેષ વિદેશી મહેમાન આવે ત્યારે જ યોજાય છે દરેક વિદેશી મહેમાનો માટે તે યોજાતું નથી તે ઉલ્લેખનીય છે.

ભારત માટે રશિયાનું સ્થાન સવિશેષ છે તેથી પ્રમુખ પુતિનને સેરિમોનિયલ રીસેપ્શન અપાયું હતું.

પ્રોટોકોલ પ્રમાણે પુતિનની મોટર રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશે તે પહેલાં બહુરંગી સાફા બાંધેલા સફેદ કોટ અને લાલ બ્રીજીસ સાથેની ઘોડેસવારોની ટુકડી લાલ ધ્વજ ધરાવતા ભાલા સાથે આગળ ચાલે છે. મોટર તદ્દન ધીરે ચલાવાય છે તેની બંને બાજુ ૪- ૪ રક્ષકો રહે છે. પાછળ ભાલા પર લાલ ધ્વજ સાથેની ઘોડેસવાર ટુકડી રહે છે. વિદેશી મહેમાનનું રાષ્ટ્રપતિ ભવનના પગથિયા ઉપર જ ભારતના રાષ્ટ્રપતિ તેઓનું સ્વાગત કરે છે પરંતુ મહેમાનની કાર રાષ્ટ્રપતિ ભવનના પગથિયા પાસે પહોંચે ત્યારે તેઓને ૧૭ તોપોની સલામી અપાય છે તે પછી મહેમાન તેમજ રાષ્ટ્રપતિ ત્રણે સેનાના ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કરે છે. પ્રમુખ પુતિનને આ રીતે વિધિવત્ આવકાર આપવામાં આવ્યો હતો. તેઓ વડાપ્રધાન મોદીના નિમંત્રણથી ભારત આવ્યા છે.

ગાર્ડ ઑફ ઑનર પછી તેઓને ભારતના વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સંરક્ષણ મંત્રી અને વિત્ત મંત્રી સહિત અગ્રીમ મંત્રીઓ સાથે મુલાકાત કરાઈ હતી જે સમયે ગૃહમંત્રી અને લોકસભા તથા રાજ્યસભાના અધ્યક્ષો, સવિશેષ હાજર હોય તે સહજ છે.

સેરિમોનિયલ રીસેપ્શન પછી તેઓ રાજઘાટ મહાત્મા ગાંધીની સમાધિએ શ્રદ્ધાંજલિ અર્પવા પહોંચ્યા, હૈદરાબાદ હાઉસમાં પ્રમુખ પુતિન અને વડાપ્રધાન વચ્ચે પ્રતિનિધિ મંડળો વચ્ચે આશરે ૧૦-૫૦ વાગે મંત્રણા યોજાઈ હતી. તે પછી વડાપ્રધાન સાથે વર્કિંગ લંચ લેવાયો બપોરે ૩-૪૦ વાગે ભારત- રશિયા બિઝનેસ ફોરમની મિટિંગ મળી જેને બંને નેતાઓએ સંબોધન કર્યું હતું.

સાંજે સાત વાગે તેઓ રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા તેઓના માનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભવ્ય ભોજન સમારંભ યોજ્યો હતો. ઉલ્લેખનીય છે રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભ હંમેશા શુદ્ધ- શાકાહારી હોય છે. તેમ જ ભોજન સમારંભમાં મદિરા પીરસાતી નથી જે મહાત્માજીની આમન્યા રાખવાની પરંપરા ભાગરૂપે છે.

અન્ય ઉલ્લેખનીય છે કે, હજી સુધી ભારતના કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનો મદિરાથી દૂર જ રહ્યા છે.

ભોજન સમારંભ પહેલાં પુતિન અને રાષ્ટ્રપતિ મુર્મુ વડાપ્રધાન તથા અન્યોની ઉપસ્થિતિમાં મંત્રણા કર્યા પછી વિશાળ ડાઇનિંગ ટેબલ પર પહોંચ્યા હતા. રાત્રે ૯-૦૦ વાગે તેઓ રશિયા જવા રવાના થયા હતા.