Get The App

પુરી રથયાત્રાઃ નાસભાગની ઘટનામાં સરકારની કડક કાર્યવાહી, બે અધિકારી સસ્પેન્ડ, જિલ્લા ક્લેક્ટર-SPની બદલી

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
પુરી રથયાત્રાઃ નાસભાગની ઘટનામાં સરકારની કડક કાર્યવાહી, બે અધિકારી સસ્પેન્ડ, જિલ્લા ક્લેક્ટર-SPની બદલી 1 - image


Odisha Jagannath Rath Yatra 2025: ઓડિશાના પુરીમાં ગુંડીચા મંદિર પાસે બનેલી નાસભાગની ઘટના પર માઝી સરકારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તેમણે અવ્યવસ્થા સર્જાવવા બદલ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.  ફરજમાં બેદરકારી બદલ ડીસીપી વિષ્ણુ પતિ અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પુરીના જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (એસપી)ની પણ બદલી કરવામાં આવી છે. ચંચલ રાણાને નવા જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  જ્યારે પિનાક મિશ્રાને નવા એસપીની જવાબદારી સોંપવામાં આવી છે. ઓડિશા સરકારે આ નાસભાગમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનોને રૂ. 25 લાખની આર્થિક સહાયતા પણ પ્રદાન કરી છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી.

નાસભાગની ઘટના પ્રત્યે શોક

મુખ્યમંત્રી કાર્યાલયે સીએમ મોહન માઝીને ટાંકીને કહ્યું હતું કે, 'આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી અને વ્યથિત છું. રાજ્ય સરકાર વતી વ્યક્તિગત રીતે દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ મૃતક શ્રદ્ધાળુઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તેમના પરિવારજનોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવા નિર્ણય લીધો છે. આ ઘટના માટે સંપૂર્ણ વહીવટી તપાસના આદેશ આપ્યા છે. વિકાસ કમિશનરની દેખરેખ હેઠળ વિગતવાર વહીવટી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.'

અધિકારીઓની બદલી અને સસ્પેન્ડ

સીએમઓએ વધુમાં જણાવ્યું હતું કે, 'પુરીના જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપીની બદલી કરવામાં આવી છે. ચંચલ રાણાને નવા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પિનાક મિશ્રાને નવા એસપીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે, ડીસીપી બિષ્ણુ પતિ અને કમાન્ડન્ટ અજય પાઢીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહાપ્રભુની રથયાત્રા આપણા ઓડિશા રાજ્યનું ગૌરવ છે. તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.'

CMએ માફી માગી

મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રથયાત્રામાં જગન્નાથ ભગવાનના દર્શન દરમિયાન થયેલી નાસભાગ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે નાસભાગ માટે માફી માંગી કહ્યું કે નાસભાગના કારણે થયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બદલ હું જગન્નાથ ભગવાનના તમામ ભક્તોની દિલથી માફી માંગુ છું.

ત્રણના મોત, 10થી વધુ ઘાયલ

પુરીમાં રથયાત્રા દરમિયાન શ્રી ગુંડીચા મંદિર પાસે રવિવારે સવારે 4:30 વાગ્યે દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતાં. તે દરમિયાન ટ્રક ભગવાનના રથની વચોવચ આવી જતાં ભીડ સર્જાઈ હતી. અને ધક્કા-મુક્કી થતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી. જેમાં ત્રણના મોત થયા હતાં. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતાં.  મૃતકોમાં બે મહિલા સામેલ હતી.

પુરી રથયાત્રાઃ નાસભાગની ઘટનામાં સરકારની કડક કાર્યવાહી, બે અધિકારી સસ્પેન્ડ, જિલ્લા ક્લેક્ટર-SPની બદલી 2 - image

Tags :