મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો, દર્દીને રોગ-નિદાન વિશે જાણવાનો હક: પંજાબ-હરિયાણા હાઈકોર્ટ
Legible Medical Prescription a Fundamental Right: પંજાબ-હરિયાણા હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો છે કે હવેથી ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન સ્પષ્ટ અને કેપિટલ અક્ષરોમાં લખવા પડશે. કોર્ટે જણાવ્યું છે કે દર્દીઓને પોતાની બીમારી અને સારવાર વિશે જાણવાનો અધિકાર છે, જે તેમના જીવનના અધિકાર (અનુચ્છેદ 21) નો એક ભાગ છે. તેથી, તમામ પ્રિસ્ક્રિપ્શન કાં તો કેપિટલ અક્ષરોમાં હોવા જોઈએ અથવા તો ટાઇપ કરીને ડિજિટલ સ્વરૂપમાં આપવા જોઈએ.
મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે, સ્પષ્ટ અને સુવાચ્ય મેડિકલ પ્રિસ્ક્રિપ્શન મેળવવું એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. આ ઉપરાંત કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ ન આવે, ત્યાં સુધી તમામ ડૉક્ટરોએ દવાઓ અને નિદાનની વિગતો મોટા (કેપિટલ) અક્ષરોમાં જ લખવી.
સરકારે આ અંગે પોલીસી બનાવવી જોઈએ
આ ઉપરાંત હાઈકોર્ટે નેશનલ મેડિકલ કમિશન (NMC) ને મેડિકલ કોલેજોમાં સ્પષ્ટ લખાણ શીખવવાનું કહ્યું છે. તેમજ કોમ્પ્યુટરથી પ્રિસ્ક્રિપ્શન લખવાની સિસ્ટમ લાગુ ન થાય ત્યાં સુધી ડૉક્ટરોએ કેપિટલ અક્ષરોમાં જ પ્રિસ્ક્રિપ્શન લખવા પડશે. કોર્ટે સરકારને આ સિસ્ટમ માટે પોલિસી બનાવવાની અને જરૂર પડે તો નાણાકીય મદદ કરવાની પણ ભલામણ કરી છે.
દર્દીઓને પણ રોગ અને નિદાન વિશે જાણવાનો હક છે
આ નિયમ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં કડક રીતે લાગુ કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અસ્પષ્ટ લખાણને કારણે સારવારમાં થતી ભૂલોને અટકાવવાનો છે, જેથી દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ઉપરાંત એવું પણ કહ્યું કે, દર્દીઓને પણ પોતાના રોગ અને નિદાન વિશે જાણવાનો હક છે.
આ ચુકાદો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ (જસ્ટિસ) જસગુરપ્રીત સિંહ પુરીની સિંગલ બેંચ દ્વારા આપવામાં આવ્યો હતો. આ મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બળાત્કારના એક કેસમાં મેડિકલ રિપોર્ટના અક્ષરો જ ઉકલી રહ્યા ન હતા.