પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા
- એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ટ્રેક્ટર કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે
- પ્રીસિઝન ફાર્મિંગ માટે વિકસાવાયેલી ટેકનોલોજી ખેડૂતોને ખેતી વિષયક કામો સરળતાથી કરી આપી ઉત્પાદન વધારશે
લુધિયાણા : ઇલોન મસ્કની વીજ સંચાલિત કાર બનાવતી કંપની ટેસ્લાનો નવો શો રૂમ મુંબઇમાં ખૂલ્યો તેના બધાં વખાણ કરી રહ્યા છે પણ પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિષ્ણાતોએ એઆઇ સંચાલિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવું ટ્રેકટર વિકસાવ્યું છે જે ખેતીકામને એક નવી જ ઉંચાઇએ લઇ જશે. વાઇસ ચાન્સેલર સતબીર સિંહ ગોસલે જણાવ્યું હતું કે એકવાર ખેડૂત જરૂરી માહિતી આપે કે ટ્રેકટર વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડવું, વાવણી અને અન્ય ખેતીના કામ આપોઆપ કરી લે છે. જેને કારણે કૃષિ ઉત્પાદન વધે છે, થાક ઘટે છે અને શ્રમની જરૂરિયાતમાં ૪૦ ટકાનો ઘટાડો થાય છે.
ઓટો સ્ટિયરિંગ સિસ્ટમ લગાડેલાં ટ્રેક્ટરનું નિદર્શન કરતાં પંજાબ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગોસલે જણાવ્યું હતું કે પ્રિસિઝન ફાર્મિગ માટે વિક્સાવવામાં આવેલી આ ટેકનોલોજી ખેડૂતોને વાવણી, નિંદામણ, રોપણી અને ખેતી વિષયક કામો તેમના ખેતરમાં કરવામાં સહાય કરશે. પંજાબ કૃષિ યુનિવર્સિટીનું સ્માર્ટ સીડર વાપરી ખેડૂત તેના કામોના નિર્ણય લેવાનું કામ પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇને સોંંપી શકે છે.
કૃષિ અને વન ક્ષેત્રમાં કામમાં લેવાતી મશીનરી માટે ઉપયોગમાં લેવાતાં પ્રમાણિત કોમ્યુનિકેશન્સ પ્રોટોકોલ ઇસોબસથી સજ્જ કોન્સોલ આ ટ્રેકટરમાં ફીટ કરવામાં આવ્યું છે. જેના વડે એડવાન્સ ફિચર્સ જેમ કે જાતે વળાંક લેવો, વાવણીની હાર ટાળવી અને અન્ય કામો આપોઆપ થઇ શકે છે. માત્ર એક બટન દબાવી ખેડૂત ટ્રેક્ટરને મેન્યુઅલ મોડમાંથી ઓટોમેટિક મોડમાં મુકી શકે છે. આ સિસ્ટમમાં મહત્વના પૂર્જાઓમાં જીએનએસએસ રિસિવર મુખ્ય છે જેનો ઉપયોગ ચોકસાઇપૂર્ણ સ્થિતિ નક્કી કરવા માટે થાય છે. જ્યારે વ્હીલ એન્ગલ સેન્સર ગવંડરની મુવમેન્ટ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત મોટરાઇઝડ સ્ટિયરીંગ યુનિટ ટ્રેક્ટરને આપોઆપ સંચાલન કરવામાં ઉપયોગી બને છે.
ગોસલે જણાવ્યું હતું કે પ્રકાશ ઓછો હોય તેવા સંજોગોમાં પણ આ ટ્રેકટર બરાબર ચાલે છે. ખેતીના કામમાં અમુક વિસ્તારો વાવણી વિના રહી જતાં હોય તેમાં આ સિસ્ટમ ઘટાડો કરે છે. આ સિસ્ટમમાં ત્રણ ચીજો મુખ્ય છે, જીપીએસ, સેન્સર્સ અને કમ્પ્યુટર. ડ્રાઇવરની સીટ પર ટેબલેટ ગોઠવવામાં આવ્યું છે. જેમાં જરૂરી ડેટા નાંખતાં જ એઆઇ દ્વારા જરૂરી નિર્ણય આપોઆપ લેવામાં આવે છે. ખેતીકામની પ્રક્રિયા ઉત્તમ રીતે કરવામાં આ ટેકનોલોજી ડ્રાઇવરને સહાયરૂપ બને છે. સામાન્ય રીતે વાવણીમાં થતાં પુનરાવર્તનમાં વર્તમાન સિસ્ટમથી ત્રણથી બાર ટકાનો ઘટાડો થાય છે. પણ ઓટો સ્ટિયરિંગ સિસ્ટમ ધરાવતાં ટ્રેકટર દ્વારા આ પુનરાવર્તન ઘટીને એક ટકો થઇ જાય છે. જે જગ્યા વાવણી કરવાની રહી જતી હતી તે બેથી સાત ટકા હતી તે આ સિસ્ટમ વાપરવાથી એક ટકાથી ઓછી થતી જણાઇ હતી.
ગોસલે જણાવ્યું હતું કે યુએસની કંપનીની સહાયથી વિકસાવવામાં આવેલી આ સિસ્ટમનો વિદેશમાં વ્યાપક ઉપયોગ થાય છે. કંપની દ્વારા જે ટેબલેટ પુરી પાડવામાં આવે છે તે વાપરવાની પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાઇ છે. આ ટ્રેક્ટરને કૃષિ મેળામાં લઇ જઇ તેનું પ્રદર્શન કરવામાં આવશે અને ખેડૂતોને તેના દ્વારા થતાં લાભો વિશે સમજાવવામાં આવશે. અમને આશા છે કે ભારતમાં કંપનીઓ દ્વારા આ ટેકનોલોજી અપનાવવામાં આવશે. આ સિસ્ટમ લોન્ચ કરીપંજાબ યુનિવર્સિટીએ કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ લાવવાની તેની પ્રતિબદ્ધતાને દાખવી છે તેમ ગોસલે જણાવ્યું હતું. કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ડીન મનજીત સિંહે જણાવ્યું હતું કે આ ટેકનોલોજીએ નોંધપાત્ર પરિણામો દર્શાવ્યા છે. આ સિસ્ટમ ખેતરની ઉત્પાદન ક્ષમતામાં તે બાર ટકાનો વધારો કરે છે, થાકમાં ૮૫ ટકાનો ઘટાડો કરે છે અને શ્રમની જરૂરિયાતમાં ૪૦ ટકાનો ઘટાડો કરે છે.