Updated: Mar 11th, 2023
નવી દિલ્હી,તા. 11 માર્ચ 2023, શનિવાર
પંજાબમાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. ખેડૂતોની આત્મહત્યાને લઈને એક મોટો ખુલાસો થયો છે, જે ખરેખર ચોંકાવનારો છે. 1 માર્ચ 2012થી 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં ખેડૂતોની આત્મહત્યાના 1403 કેસ સામે આવ્યા છે. જ્યારે 403 ખેત મજૂરોની આત્મહત્યાનો મામલો પણ સામે આવ્યો છે.
સૌથી વધુ આત્મહત્યાના કિસ્સા માણસા જિલ્લામાં બન્યા છે. અહીં 314 ખેડૂતો દેવાના કારણે મોતને ભેટ્યા છે. બીજા નંબર પર ભટિંડા જિલ્લો છે જ્યાં 269 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
જો 2022ની વાત કરીએ તો પંજાબ સરકાર ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે ઘેરાયેલી જોવા મળી હતી. જ્યારે 25 દિવસમાં 14 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ અંગે રાજ્યમાં ભારે રાજકારણ ગરમાયું હતું.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વેડિંગે AAP સરકારને ઘેરી અને કહ્યું કે, 25 દિવસમાં 14 ખેડૂતોએ આત્મહત્યા કરી, શું તમે આમ આદમી પાર્ટીને વોટ આપવા બદલ અન્નદાતાને સજા આપી રહ્યા છો?
પંજાબના સૌથી મોટા કૃષિ યુનિયન ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહને પણ દાવો કર્યો હતો કે એપ્રિલમાં લગભગ 14 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જેમાંથી 11 ખેડૂતો માલવા પ્રદેશના હતા.
અન્ય રાજ્યોની શું સ્થિતિ છે?
પંજાબના પાડોશી રાજ્ય હરિયાણાની વાત કરીએ તો, અહીં પાંચ વર્ષમાં લગભગ 23 ખેડૂતો મોતને ભેટ્યા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 398 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષમાં 7 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તો મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં 12,552 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલા વિવિધ સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે, પંજાબમાં ખેડૂતોની આત્મહત્યા પાછળ મોટું દેવું મુખ્ય કારણ હતું. ખેડૂતો દેવાની જાળમાં ફસાઈ રહ્યા હતા. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે ગયા મહિને સંસદમાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.