Get The App

હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ 1 - image


Pune Rave Party Eknath Khadse Son In Law: મહારાષ્ટ્રના પુણે શહેરમાં પોલીસે એક ફ્લેટમાં ચાલી રહેલી કથિત ડ્રગ પાર્ટી પર દરોડા પાડી સાત લોકોની ધરપકડ કરી હતી. આ ડ્રગ પાર્ટીમાં પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકર પણ સામેલ હતાં. સુત્રો અનુસાર, એક મહિલા ધારાસભ્યના પતિ પણ આ પાર્ટીમાં હોવાનો ખુલાસો થયો છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

ડ્રગ્સ, દારૂ અને હુક્કા પાર્ટીમાં દરોડા

પોલીસે જણાવ્યું હતું કે, પુણેના પૉશ વિસ્તાર ખરાડીમાં આવેલા એક સ્ટુડિયા એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યાં ડ્રગ્સ, દારૂ અને હુક્કા પાર્ટી ચાલી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળતાં રવિવારે વહેલી સવારે 3.30 વાગ્યે રેવ પાર્ટીમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.

સાત લોકોની કરી ધરપકડ

પુણે પોલીસા ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) નિખિલ પિંગલેએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન 2.7 ગ્રામ કોકેઈન, 70 ગ્રામ ગાંજો, એક હુક્કા પૉટ, હુક્કા ફ્લેવર અને બીયર-દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે જે સાત લોકોની ધરપકડ થઈ છે, તેમાં પ્રાંજલ ખેવલકર, નિખિલ પોપટાની, સમીર સૈયદ, શ્રીપદ યાદવ, ભોમ્બે, ઈશા સિંહ અને પ્રાચી શર્મા સામેલ છે. તમામ આરોપી પર એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.



રાજકારણમાં આક્ષેપોનો વરસાદ

આ મામલે રાજકારણીઓના ઘરના લોકો સામેલ હોવાથી રાજકારણમાં આક્ષેપોનો વરસાદ શરૂ થયો છે. એનસીપી (શરદ પવાર)ના નેતા એકનાથ ખડસેએ જણાવ્યું હતું કે, આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમજ આ કાર્યવાહી રાજકીય ષડયંત્ર હેઠળ હાથ ધરાઈ છે કે કેમ તેની પણ જાણકારી મેળવવી જોઈએ. નોંધનીય છે, ખડસેના દિકરી રોહિણી ખડસે એનસીપી (એસપી)ના મહિલા મોર્ચના પ્રદેશ અધ્યક્ષ છે. જેમના પતિ પ્રાંજલની આ રેવ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી છે.

સરકાર પર કર્યા પ્રહાર

શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સુષ્મા અંધારેએ આ કાર્યવાહી બદલ સરકાર પર પ્રહારો કર્યા છે કે, આ કાર્યવાહી એવા લોકો માટે સંદેશ છે, જે સરકારની વિરૂદ્ધ છે. હાલ પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે. આરોપીઓના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ 2 - image

Tags :