For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

SBIમાં લઘુત્તમ બેલેન્સની જોગવાઇ હટાવાઇ, SMS સેવાનો ચાર્જ પણ દૂર કરાયો

Updated: Mar 12th, 2020

Article Content Image


નવીદિલ્હી, તા. 11 માર્ચ, 2020, બુધવાર

ભારતીય સ્ટેટ બેન્ક (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-એસબીઆઇ)ના બચત ખાતાધારકો માટે હવે એમના ખાતામાં સરેરાશ લઘુત્તમ બેલેન્સ રાખવું અનિવાર્ય નથી. આથી હવે તેઓ ખાતામાં શૂન્ય રકમ સાથે પણ ખાતું ચાલુ રાખી શકશે. જો કે દેશની સહુથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્કે એના તમામ બચત ખાતા માટે વ્યાજદર ઘટાડીને ત્રણ ટકા કરી નાખ્યો છે. 

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ  એના તમામ બચત ખાતાધારકો માટે સરેરાશ લઘુત્તમ બેલેન્સ રાખવાની અનિવાર્યતાને દૂર કરી છે. આથી હવે બેન્કના બધા બચત ખાતાધારકોને 'શૂન્ય બેલેન્સ' ખાતાની સગવડ મળતી થશે. તદુપરાંત બેન્કે બધા બચત ખાતામાં વ્યાજદર એક સમાનરૂપે વર્ષે ત્રણ ટકા કરી દીધો છે

એસબીઆઇએ 'નાણાકીય સમાવેશની દિશામાં પગલું' વિષયક જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં નાણાકીય સમાવેશક કામગીરીની આગેકૂચ માટે  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એના તમામ 44.51 કરોડ  બચત ખાતાધારકો માટે સરેરાશ માસિક લઘુત્તમ રકમ (એવરેજ મિનિમમ મન્થલી બેલેન્સ - એએમબી) રાખવાની અનિવાર્યતાને દૂર કરી છે.

હાલમાં, મેટ્રો શહેરોના બચત ખાતાધારકોએ સરેરાશ માસિક લઘુત્તમ રકમરૂપે 3000 રૂપિયા કસ્બા (ટાઉન) વિસ્તારોના બચત ખાતાધારકોએ સરેરાશ માસિક લઘુત્તમ રકમ રૂપે 2000 રૂપિયા, જ્યારે ગ્રામિણ પંથકના આ ખાતાધારકોએ ઉપરોક્ત રકમરૂપે 1000 રૂપિયા ખાતામાં જમા રાખવા પડે છે.

આ રકમ- સરેરાશ માસિક લઘુત્તમ રકમને  પોતાના બચત ખાતામા ંનહી રાખનારા ખાતાધારકે પાંચ થી  પંદર રૂપિયાનો દંડ અને  કરની ચૂકવણી કરવી પડતી હતી. એએમબીની  જોગવાઈને રદ કરાતા બેંકના આ ખાતાધારકોને ' શૂન્ય બેલેન્સ' (એટલે કે ખાતામાં કોઈ લઘુત્તમ બેલેન્સ નહિ રાખવાની સુવિધા મળશે. તદુપરાંત  બેન્કે ત્રિમાસીક આધારે એસએમએસ સેવા માટે વસૂલાતા ચાર્જની જોગવાઈને પણ દૂર કરી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રજનીશ કુમારે આ બાબતે જણાવ્યું કે '' બેંક સત્તાવાળાઓના આ નિર્ણયથી  હજી વધારે લોકોના ચહેરા પર સ્મિત રેલાશે.'' બેંકે  ' સહુથી પહેલાં ગ્રાહક હિત'ની માન્યતાને અનુસરીને આ પગલું લીધુ છે. તદુપરાંત બેન્કે બચત ખાતામાં વ્યાજ-દરને તર્કસંગત બનાવવાના ભાગરૂપે બધી શ્રેણીઓ માટે એ ઘટાડીને ત્રણ ટકા કરી નાખ્યો છે.

Gujarat