બંધારણનું ઉલ્લંઘન થતું હોય તેવા પુરાવા આપો, હાલ દખલની જરૂર નથી: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટ
Supreme Court and Waqf Bill : દેશભરમાં મુસ્લિમોના ભારે વિરોધ વચ્ચે સંસદમાંથી પસાર થયેલા વક્ફ સુધારા કાયદાને પડકારતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં ફરી મંગળવારથી સુનાવણી શરૂ થઈ છે. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે બે સભ્યોની બેન્ચે પક્ષ અને વિપક્ષની દલીલો સાંભળી હતી. મંગળવારે સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, બંધારણનો ભંગ થતો હોવાના નક્કર પુરાવા ના હોય ત્યાં સુધી સુપ્રીમ કોઈ દખલગીરી કરશે નહીં. તેમણે કહ્યું કે સંસદ દ્વારા પાસ થયેલા કાયદાઓમાં બંધારણીયતાની ધારણા હોય છે અને કોઈ કાયદો બંધારણીય છે કે નહીં તેનો કોઈ નક્કર પુરાવો સામે ના આવે ત્યાં સુધી કોર્ટ તેમાં દખલ નહીં કરે.
મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈની સાથે ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસિહને સમાવતી બેન્ચે વક્ફ (સુધારા) કાયદા, ૨૦૨૫ને પડકારતી અરજીઓની સુનાવણી મંગળવારે શરૂ કરી હતી. અગાઉ આ કેસની સુનાવણી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના કરી રહ્યા હતા. તેમણે નિવૃત્તિ પહેલાં જ આ કેસ વર્તમાન સીજેઆઈ બીઆર ગવઈની બેન્ચને ટ્રાન્સફર કરી દીધો હતો. વક્ફ સુધારા કાયદાને પડકારતા અરજદારો તરફથી કપીલ સિબલે રજૂઆત શરૂ કરતા મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદામાં બંધારણીયતાની ધારણા હોય છે. વચગાળાની રાહત માટે તમારે કાયદા દ્વારા બંધારણનો ભંગ થાય છે તેવા મજબૂત પુરાવા રજૂ કરવા પડશે. અન્યથા બંધારણીયતાની ધારણા રહેશે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો હતો કે તે વચગાળાનો આદેશ પાસ કરવા માટે વક્ફ (સુધારા) કાયદાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણી ત્રણ મુદ્દા સુધી મર્યાદિત રાખે, જેમાં કોર્ટ, યુઝર અને ડીડ દ્વારા જાહેર વક્ફ સંપત્તિઓને ડી-નોટીફાઈ કરવાના બોર્ડોના અધિકારનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કોર્ટે ત્રણ મુદ્દા ઓળખી કાઢ્યા હતા. જોકે, અરજદારો ઈચ્છે છે કે આ ત્રણેય મુદ્દાથી અલગ અન્ય અનેક મુદ્દાઓ પર સુનાવણી થાય. મેં આ ત્રણ મુદ્દાઓના જવાબમાં સરકારનું સોગંદનામું દાખલ કર્યું છે. મારી વિનંતી છે કે વર્તમાન બાબતને માત્ર ત્રણ મુદ્દા સુધી જ મર્યાદિત રાખવામાં આવે.
કેન્દ્ર સરકારે જે ત્રણ મુદ્દા ઉઠાવ્યા છે, જેમાં પહેલો મુદ્દો વક્ફ બાય કોર્ટ, વક્ફ બાય યુઝર અથવા વક્ફ બાય ડીડ દ્વારા જાહેર સંપત્તિઓને ડિ-નોટિફાઈ કરવાની શક્તિનો છે. બીજા મુદ્દામાં રાજ્ય વક્ફ બોર્ડો અને કેન્દ્રીય વક્ફ પરિષદની રચના સંબંધે છે, જેમાં અરજદારોની દલીલ છે કે બોર્ડ અને પરિષદના સભ્યોમાં મુસ્લિમ સભ્યો સિવાય અન્ય ધર્મના સભ્યોને સ્થાન ના મળવું જોઈએ. ત્રીજો મુદ્દો એ જોગવાઈ સંબંધિત છે, જે મુજબ કલેક્ટર એ તપાસ કરવાનો પ્રયત્ન કરશે કે વક્ફ જાહેર કરાયેલી સંપત્તિમાં કોઈ જમીન સરકારી છે કે નહીં અને તપાસ રિપોર્ટ આવવા સુધી આ સંપત્તિને વક્ફ માનવામાં નહીં આવે.
સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટે અરજદારોને સવાર કર્યો હતો કે શું પહેલા વક્ફ કાયદામાં વક્ફની નોંધણીની જોગવાઈ હતી? શું નોંધણી ફરજિયાત હતી કે માત્ર એક દિશા-નિર્દેશ હતા? નોંધણી ન કરાવવા બદલ કોઈ પરિણામ હોય તો તે નોંધણી ફરજિયાત હોઈ શકે છે. સુપ્રીમને જવાબ આપતા કપીલ સિબલે કહ્યું કે, ૧૯૧૩થી ૨૦૧૩ સુધીની જોગવાઈઓમાં વક્ફની નોંધણીની જોગવાઈ હતી, પરંતુ તેનું પાલન ન કરતા કોઈ પરિણામ નહોતા, માત્ર મુતવલ્લીને હટાવવામાં આવતા. ૨૦૨૫ પહેલા વક્ફના ઉપયોગકર્તા દ્વારા નોંધણી કરાવવી ફરજિયાત નહોતી.
વક્ફ સુધારા કાયદાની બંધારણીયતાને પડકારતા અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ કપીલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ કેન્દ્રની દલીલોનો વિરોધ કરતા કહ્યું કે, મહત્વપૂર્ણ કાયદા પર ટૂકડા-ટૂકડામાં સુનાવણી કરી શકાય નહીં. કપીલ સિબ્બલે તર્ક આપ્યો કે, સુધારેલો કાયદો બંધારણની કલમ ૨૫નો ભંગ કરે છે. આ કલમમાં ધર્મ પાલન, તેને અનુરૂપ આચરણ કરવા અને ધર્મનો પ્રચાર કરવાના અધિકારની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે, અમે તો બધા જ મુદ્દાઓ પર દલીલ કરીશું. આ સંપૂર્ણ વક્ફ સંપત્તિ પર કબજો કરવાનો મામલો છે.
કપિલ સીબલે સુપ્રીમને કહ્યું કે, આ કેસમાં વચગાળાનો આદેશ જાહેર કરવા પર સુનાવણી થવી જોઈએ. આ કાયદો ગેરબંધારણીય અને વક્ફ સંપત્તિ નિયંત્રિત કરનારો અને આંચકી લેનારો છે. કાયદાના સુધારમાં જોગવાઈ કરાઈ છે કે વક્ફ કરાનારી સંપત્તિ પર કોઈ વિવાદની આશંકા હોય તો તપાસ થશે, કલેક્ટર તપાસ કરશે. તપાસની કોઈ સમય મર્યાદા નથી. તપાસ પૂરી ના થાય ત્યાં સુધી સંપત્તિ વક્ફ માનવામાં આવશે નહીં. વધુમાં અલ્લાહના નામે વક્ફ સંપત્તિ અપાય છે. એક વખત વક્ફ થઈ જાય તો હંમેશા માટે થઈ જાય છે. સરકાર તેમાં આર્થિક મદદ કરી શકતી નથી.
કપીલ સિબલને સીજેઆઈના સણસણતા જવાબ
મંદિરોની જેમ મસ્જિદોમાં દાન નહીં અપાતું હોવાની દલીલ સુપ્રીમે ફગાવી
- ખજૂરાહો સંરક્ષિત સ્મારક છતાં હજુ લોકો જઈને પૂજા કરી શકે છે: મુખ્ય ન્યાયાધીશ
નવી દિલ્હી : વક્ફ સુધારા કાયદા, ૨૦૨૫ને પડકારતી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા સરકારી સંપત્તીઓની ઓળખનો મુદ્દો ઉઠયો હતો. આ સમયે અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ કપીલ સિબલની મંદિરોની જેમ મસ્જિદોમાં દાનપેટીમાં દાન નથી અપાતું અને વક્ફ સંપત્તિને સ્મારક જાહેર કરાશે તો મુસ્લિમોને પૂજાનો અધિકાર નહીં મળે તેવી દલીલો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
વક્ફ સુધારા કાયદાને પડકારી અરજીઓની મંગળવારે સુનાવણી સમયે વરિષ્ઠ વકીલ કપીલ સિબલે કહ્યું કે, દરગાહો અને મસ્જિદોની જાળવણી અને સંચાલન વક્ફ સંપત્તિઓમાંથી થતી આવકથી થાય છે. મંદિરોમાં દાનપેટીમાં દાન આપવામાં આવે છે તે રીતે અહીં દાન અપાતું નથી. સીબલની દલીલના જવાબમાં મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ કહ્યું કે, તેઓ દરગાહ પર ગયેલા છે અને જોયું છે કે લોકો ત્યાં દાન કરે છે.
આ સિવાય વક્ફ કાયદામાં સુધારાને ટાંકતા કપીલ સિબલે કહ્યું કે, કાયદામાં સુધારાથી વક્ફ સંપત્તિનું સંરક્ષણ થશે તેવો દાવો કરાય છે, પરંતુ તેનાથી તો વક્ફ સંપત્તિ પર કબજો થઈ જશે. પ્રાચીન સ્થળો અંગે દલીલ કરતા સિબલે કહ્યું કે, કેટલાક ઐતિહાસિક સ્મારક છે, જેમને પહેલા સરકારી નિયંત્રણમાં લેવાય તો પણ તેનો વક્ફનો દરજ્જો ખતમ નહોતો થતો. પરંતુ હવે કોઈ વક્ફ સંપત્તિને સંરક્ષિત સ્મારકનો દરજ્જો મળશે તો તેને વક્ફ સંપત્તિ માનવામાં નહીં આવે. વક્ફનો દરજ્જો સમાપ્ત થઈ જશે તો મુસ્લિમોને ત્યાં તેમની ધાર્મિક પૂજા કરતા રોકાશે. તેનાથી ઉપાસનાના અધિકાર પર અસર થશે. જોકે, સીજેઆઈ ગવઈએ કહ્યું કે, ખજુરાહો હાલ સંરક્ષિત સ્મારક છે. તેમ છતાં હજુ પણ ત્યાંના મંદિરોમાં સામાન્ય લોકો જઈને પૂજા કરી શકે છે.