વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા, નાગરિકોના અધિકારોને ધ્યાનમાં રાખવા જરૂરી : મદ્રાસ હાઇકોર્ટ
Protest Rights News : મદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા. વિરોધ પ્રદર્શનો રાજકીય પક્ષોની મનમરજી કે ઇચ્છા મુજબ ના થઇ શકે. આ પક્ષોની આમ નાગરિકો પ્રત્યે પણ કેટલીક જવાબદારી હોય છે. નાગરિકોના અધિકારોના ભોગે પ્રદર્શન ના યોજી શકો.
હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનના અધિકારોમાં જનતાને અસુવિધા આપવાનો અધિકાર સામેલ નથી હોતો. તમિલનાડુના શિવગંગાઇ જિલ્લાની પોલીસે એક રાજકીય પક્ષને વિરોધ પ્રદર્શન યોજવાની મંજૂરી નહોતી આપી, જેથી આ પક્ષ દ્વારા મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે અરજદારો અગાઉ પાંચ દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે.
હવે ફરી આ જ જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરવા માગે છે.
બાદમાં હાઇકોર્ટે કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે ના થઇ શકે, રાજકીય પક્ષોની મનમરજીથી પણ ના થઇ શકે. આ પક્ષોની જાહેર જનતા પ્રત્યે પણ કેટલીક જવાબદારી છે. જ્યારે કોઇ વિરોધ પ્રદર્શન યોજાય છે ત્યારે આમ જનતાની સ્વતંત્ર રીતે અવર જવરના અધિકારો જોખમમાં મુકાય છે.
એટલે કે જનતાના અધિકારોના ભોગે પણ વિરોધ પ્રદર્શનની છૂટ ના આપી શકાય. શિવગંગાઇ જિલ્લામાં એક સિક્યોરિટી ગાર્ડનું કસ્ટોડિયલ મોત નિપજ્યું હતું જેના વિરોધમાં આ પક્ષ દ્વારા ધરણા પ્રદર્શન યોજવાનું આયોજન હતું. હાઇકોર્ટે પોલીસને મંજૂરી અંગે ફરી વિચારણા કરવા કહ્યું હતું.