દિલ્હીમાં પ્રદૂષણ સામે દેખાવો, અનેકની અટકાયત

- જીવ સામે જોખમ ઊભું કરતા પ્રશ્ને પ્રજા રસ્તા પર : કાયમી ઉકેલની માગ
- શિલા દીક્ષિતના સમયમાં ગ્રીન કેપિટલ ૩૯૧ એક્યુઆઇ સાથે દિલ્હી આજે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ : દેખાવકારો
- દિલ્હી સરકાર સ્વચ્છ હવામાં શ્વાસ લેવાનો મૂળભૂત અધિકાર પૂરો પાડવામાં પણ નિષ્ફળ ગઈ હોવાનો દાવો
- દિલ્હીમાં રવિવારે સવારે એક્યુઆઈ ૩૯૧, સિઝનના સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો, નેતાઓ માત્ર એકબીજા પર દોષ ઢોળી રહ્યા છે
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દાયકાથી હવાના પ્રદૂષણમાં અસહ્ય વધારો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવી શકી નથી ત્યારે રવિવારે સાંજે દિલ્હીમાં પ્રજા રસ્તા પર ઉતરી પડી હતી. પ્રદૂષણના મુદ્દે સેંકડો લોકો ઈન્ડિયા ગેટ પર ઉમટી પડયા હતા અને તેમણે રસ્તા જામ કરી દેખાવો કર્યા હતા તથા સૂત્રોચ્ચાર કર્યો હતો. પોલીસે દેખાવો કરી રહેલા સેંકડો લોકોની અટકાયત કરી હતી. દરમિયાન દિલ્હીમાં રવિવારે સવારે પણ હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ' કેટેગરીમાં હતી. દિલ્હીમાં રવિવારે હવાની ગુણવત્તા ૩૯૧ એક્યુઆઈ સાથે સિઝનના સૌથી ખરાબ સ્તરને સ્પર્શી ગઈ હતી.
ઈન્ડિયા ગેટ નજીક કર્તવ્ય પથ પર અચાનક જ એકત્ર થઈ ગયેલા સેંકડો દેખાવકારોએ દિલ્હીમાં હવા સ્વચ્છ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા માગ કરી હતી. દેખાવકારોમાં અનેક માતાઓ તેમના સંતાનો સાથે આવી હતી. દરમિયાન દિલ્હીમાં રવિવારે તાપમાન ઘટીને ૧૧.૭ ડિગ્રી સે. નોંધાયું હતું, જે સામાન્ય રેન્જ કરતાં નીચું હતું. નીચા તાપમાનના પગલે દિલ્હી પર સ્મોગની ચાદર છવાઈ ગઈ હતી. પર્યાવરણવાદી ભાવરીન કંધારીએ કહ્યું કે, અમે પ્રદૂષણ મુદ્દે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે મળવાનો સમય માગ્યો હતો, પરંતુ અમને મળવા દેવાતા નથી. અત્યારે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, પરંતુ ગ્રેપના ઉપાયો લાગુ કરાયા નથી. સરકાર તરફથી કોઈ સલાહ અપાઈ નથી. અત્યારે અહીં અનેક માતા-પિતા દેખાવોમાં જોડાયા છે, કારણ કે તેમના સંતાનો પ્રદૂષણની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. દરેક બાળકોના ફેફસાંને નુકસાન થઈ રહ્યું છે. લગભગ એક દાયકા જેટલા સમયથી તેઓ પ્રદૂષિત હવાનો ભોગ બની રહ્યા છે.
અન્ય એક દેખાવકારે કહ્યું કે, સરકાર શ્વાસ લેવા માટે સ્વચ્છ હવાનો મૂળભૂત અધિકાર પૂરો પાડવામાં પણ નિષ્ફળ ગઈ છે. શિલા દીક્ષિતના સમયમાં દિલ્હી ગ્રીન કેપિટલ તરીકે ઓળખાતું હતું. આજે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હીનો સમાવેશ થાય છે. નેતાઓ જવાબદારી લેવાના બદલે માત્ર એકબીજા પર દોષ ઢોળી રહ્યા છે.
એક દેખાવકારે કહ્યું કે, ખાનગી મોનિટર અનેક જગ્યાએ એક્યુઆઈ ૯૯૯ને પાર થઈ ગયો હોવાનું દર્શાવે છે. આવા સમયે અધિકારીઓ નક્કર કાર્યવાહી કરવાના બદલે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો બંધ કરાવી રહ્યા છે. લોકો માત્ર શ્વાસ લેવાનો અધિકાર માગી રહ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી અમે લોકડાઉન કે શટડાઉન જેવું કશું જ સાંભળ્યું નથી. માત્ર ક્લાઉડ સીડિંગ અને ધ્યાન ભટકાવવાવાળી વાતો સાંભળી છે. આ સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ છે.
દેખાવકારોએ આક્ષેપ કર્યો કે દિલ્હી પોલીસ તેમને દેખાવો કરવાની મંજૂરી આપી નથી રહી. તેમણે દિલ્હી પોલીસ મુર્દાબાદનો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. બીજીબાજુ ઈન્ડિયા ગેટ પર દેખાવકારોની વધતી ભીડ અને શાંતિ ભંગ થવાની આશંકાઓને જોતા પોલીસે આકરું વલણ અપનાવ્યું હતું. દિલ્હી પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી હતી.
નવી દિલ્હીના ડીસીપી દેવેશ કુમાર મહલાએ કહ્યું કે, ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે દેખાવકારોની અટકાયત કરાઈ છે. ેદિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું કે માત્ર જંતર-મંતરને જ વિરોધ સ્થળ તરીકે નોમિનેટ કરાયું છે. યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને ત્યાં દેખાવોની મંજૂરી મેળવી શકાય છે.
દરમિયાન રવિવારે પણ દિલ્હીમાં હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ' કેટેગરીમાં રહી હતી. દિલ્હીમાં એકંદર એક્યુઆઈ ૩૯૧ હતો તેમ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કહ્યું હતું. બોર્ડની સમીર એપના ડેટા મુજબ દિલ્હીમાં ૨૪ મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા 'ગંભીર' કેટેગરીમાં હતી જ્યારે ૧૧ સ્ટેશનો પર ૩૦૦થી ઉપરના એક્યુઆઈ સાથે હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ' સ્તર પર હતી.
- સુપ્રીમ કોર્ટ પોતાની મજાક ના બનાવે
નવી દિલ્હી: દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર પ્રદૂષણના વિરોધમાં થયેલા દેખાવોમાં પશુપ્રેમીઓ પણ જોડાઈ ગયા હતા. તેમણે રસ્તા પરથી રખડતા કૂતરાઓને હટાવવા અંગે સુપ્રીમ કોર્ટના નવા આદેશની આકરી ટીકા કરી હતી. એક દેખાવકારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પશુઓને હટાવવાની વાત કરી રહી છે, પરંતુ હકીકતમાં પ્રદૂષણ દૂર કરવા પર વાત થવી જોઈએ. દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. લોકોએ શ્વાસ લેવા માટે ઈન્હેલરનો આશરો લેવો પડી રહ્યો છે. સરકાર પાસે પ્રદૂષણ સહિત મહત્વના મુદ્દાઓનો કોઈ જવાબ નથી ત્યારે સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાઓના મુદ્દે સુનાવણી થઈ રહી છે. દેખાવકારોએ રખડતા કૂતરાઓની સમસ્યા મુદ્દે વૈજ્ઞાાનિક અને તાર્કીક સમાધાન અપનાવવા માગ કરી હતી. તેમણે કહ્યું સુપ્રીમ કોર્ટ પોતાની મજાક ના બનાવે.

