'અત્યાચાર સહન નહીં કરીએ...' ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા
Protest Against Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આકરા નિર્ણયોના કારણે અમેરિકામાં જ વિવાદનું કારણ બન્યા છે. ટેરિફ વિવાદ, ભારત સાથે વણસી રહેલા સંબંધો, અને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના નિર્ણયોથી ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે.
વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પની વિરૂદ્ધ મોટી સંખ્યામાં લોકોએ દેખાવો કર્યા છે. ‘ફ્રી ડીસી’, ‘અત્યાચારોનો વિરોધ કરીશું’, ‘ટ્રમ્પ હવે તમારે આવવુ પડશે’ જેવા સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે. તેઓ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
ટ્રમ્પ પર કંટ્રોલ કરવાનો આક્ષેપ
વિરોધ પ્રદર્શનકારીઓએ જણાવ્યું છે કે, પ્રમુખ ટ્રમ્પ નેશનલ ગાર્ડ્સ તૈનાત કરી સ્થાનિક વહીવટીતંત્રને પોતાના અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેનાથી શહેરવાસીઓમાં અસંતોષ ફેલાયો છે. પરંતુ ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેમના આ પગલાંથી સામાન્ય લોકોને ફાયદો થશે, અને ગુનાનો દર ઘટશે. બીજી તરફ દેખાવકારોએ તેમના આ આદેશને ક્રાઈમ ઈમરજન્સી જાહેર કર્યો છે. આ નિર્ણયને પાછો ખેંચવાની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે. ટ્રમ્પ વિરોધી સુત્રોચ્ચાર સાથે વ્હાઈટ હાઉસ સુધી વિરોધ રેલી યોજી હતી.
શા માટે તૈનાત કર્યા નેશનલ ગાર્ડ્સ?
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે છેલ્લા ત્રણ મહિનામાં વોશિંગ્ટન ડીસી, લોસ એન્જલ્સ, અને શિકાગોમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. 19 જિલ્લામાં આશરે 1700 નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. પ્રમુખ ટ્રમ્પે આ નિર્ણય પાછળનું કારણ ગુનાખોરી, ગેરકાયદે પ્રવાસીઓ અને દેખાવોમાં ઘટાડો કરવાનું કહ્યું છે. પરંતુ લોકોએ આ પગલાંને ટ્રમ્પની અંકુશ વધારવાની નીતિ ઠેરવી છે. ડેમોક્રેટિક શહેરોમાં વહીવટી તંત્રોની સહમતિ વિના ગાર્ડ તૈનાત કરવામાં આવતાં આ નિર્ણયને બંધારણની વિરૂદ્ધ ગણાવ્યો છે.
વોશિંગ્ટન ડીસીમાં 2000 ગાર્ડ્સ તૈનાત
ટ્રમ્પે ઓગસ્ટ, 2025માં વોશિંગ્ટન ડીસીમાં આશરે 2000 ગાર્ડ તૈનાત કર્યા હતા. ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવાના ઉદ્દેશ સાથે આ પગલું લેવામાં આવ્યું હતું. કારણકે, શહેરમાં હિંસક જૂથો, ગુનાખોરોના કારણે લૂંટફાટ સહિતના ગુનાનો આતંક વધ્યો છે. ટ્રમ્પે શહેરમાં કાયદો અને વ્યવસ્થા લાગુ કરવા તેમજ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા નેશનલ ગાર્ડ્સ તૈનાત કર્યા છે.