લાંચના પૈસાનું શેરબજારમાં રોકાણ કરી કમાયેલો નફો પણ ગુનાખોરીથી કમાયેલી આવક કહેવાય

Delhi High Court News : લાંચનાં નાણા શેરબજારમાં રોકી કમાવેલો નફો અપરાધથી કમાયેલી કરેલી આવક ગણવામાં આવશે અને આ રકમને મની લોન્ડરિંગ માનવામાં આવશે તેમ દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું છે.
કોર્ટે જણાવ્યું છે કે જો કોઇ વ્યકિતએ લાંચનાં નાણાંથી રોકાણ કર્યુ છે અને આ રોકાણની કીંમત વધવા પર આ ધનનો ગેરકાયદે સ્ત્રોત શુદ્ધ થઇ જતો નથી અને આ વધેલી રકમ પણ તે જ ગેરકાયદે સ્ત્રોતથી જોડાયેલ હોય છે.
ન્યાયમૂર્તિ અનિલ ક્ષેત્રપાલ અને ન્યાયમૂર્તિ હરીશ વૈધનાથન શંકરની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે મની લોન્ડરિંગ એક સતત અપરાધ છે, જે ફક્ત ગેરકાયદે ધન અર્જિત કરવાની પ્રારંભિક ક્રિયા સુધી મર્યાદિત નથી પણ તેમાં એ ધનની વિભિન્ન લેવડદેવડ પણ સામેલ છે.
ખંડપીઠે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જો કોઇ સરકારી અધિકારી લાંચ લઇને આ રકમ શેરબજાર, રિયલ એસ્ટેટ કે માદક પદાર્થનાં ધંધામાં નાખે છે તો ધનની ગેરકાયદેસરતા સમાપ્ત થતી નથી અને આ સમગ્ર રકમ જપ્ત કરવા યોગ્ય હોય છે.
કોર્ટે જણાવ્યું હતું કે જો લાંચનાં નાણાં શેરબજારમાં રોકવામાં આવે અને થોડા સમય પછી આ રોકાણનું મૂલ્ય વધી જાય તો વધેલી રકમ પણ અપરાધથી અર્જિત આવક ગણવામાં આવશે.
દિલ્હી હાઇકોર્ટે આ ચુકાદો ઇડીની અપીલ પર આપ્યો છે. જેમાં તેણે ફતેહપુર કોલ બ્લોક ફાળવણીથી સંબધિત કેસમાં સિંગલ ન્યાયમૂર્તિનાં આદેશને પડકાર્યો હતો.
ઇડીએ મેસર્સ પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે છેતરપિંડીથી કોલ બ્લોક પ્રાપ્ત કર્યુ હોવાનો આરોપ મૂકી 122.74 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

