- રાહુલ ગાંધીના ભાણેજની થનારી પત્નીનો લોકોએ ધર્મ સર્ચ કર્યો
- અવીવા બેગની માતા નંદીતા અને પ્રિયંકા સારા મિત્ર, પિતા ઇમરાન બિઝનેસમેન, વાડ્રા પરિવાર સાથે ઘરોબો
નવી દિલ્હી : કોંગ્રેસના મહાસચિવ અને કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રૈહાન વાડ્રાની ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે સગાઇ કરી લીધી હતી. પ્રિયંકા ગાંધીની થનારી પુત્રવધુ અવીવા બેગ અને રૈહાન વાડ્રા બન્ને સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારથી એકબીજાને ઓળખે છે. હવે ટૂંક સમયમાં રૈહાન વાડ્રા અને અવીવા બેગ બન્નેના લગ્ન કરવામાં આવી શકે છે. જોકે આ પહેલા પ્રિયંકા ગાંધીની થનારી પુત્રવધુ કોણ છે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
એવા અહેવાલો છે કે પ્રિયંકાના પુત્ર રૈહાન અને અવીવા બેગ બન્ને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા, જ્યારે અવીવા બેગની માતા નંદિતા બેગ અને પ્રિયંકા ગાંધી બન્ને સારા મિત્ર માનવામાં આવે છે. કોંગ્રેસના ભવનની ડિઝાઇન વગેરે કાર્યમાં નંદિતાએ પ્રિયંકાને મદદ કરી હતી. પરિવારના કેટલાક લોકોની હાજરીમાં રૈહાન અને અવીવા બેગ બન્નેએ સગાઇ કરી લીધી હોવાના અહેવાલો છે. હવે ટૂંક સમયમાં રાજસ્થાનમાં બન્નેના લગ્ન યોજાઇ શકે છે. રૈહાન અને અવીવાની સગાઇના અહેવાલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા અને ગૂગલ પર લોકો પ્રિયંકા ગાંધીની થનારી પુત્રવધુનો ધર્મ શોધવા લાગ્યા હતા.
અવીવા બેગના પિતાનું નામ ઇમરાન બેગ છે અને તેઓ દિલ્હીમાં એક બિઝનેસમેન છે. વાડ્રા પરિવાર સાથે તેમનો જુનો સંબંધ હોવાનું મનાઇ રહ્યું છે. જ્યારે અવીવાની માતા નંદીતા બેગ નામ પરથી હિન્દુ હોવાની અટકળો છે. અવીવા દિલ્હીની મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી ચુકી છે. બાદમાં તેણે ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ એટલે કે પત્રકાર બનવા માટેનો અભ્યાસ કર્યો હતો. બાદમાં તે પોતાની માતા નંદીતાના વ્યવસાયમાં પ્રવેશી અને ઇન્ટેરિયર ડિઝાઇનર બની ગઇ હતી. આ ઉપરાંત અવીવા એક ફોટોગ્રાફર અને પ્રોડયુસર પણ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની પૂર્વ ફૂટબોલ પ્યેલર પણ છે. તેની ફોટોગ્રાફીમાં સામાજિક મુદ્દા જોવા મળે છે. જ્યારે રૈહાન વાડ્રા પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર છે. તેણે દેહરાદૂનમાં અભ્યાસ કર્યો, બાદમાં તેણે લંડનમાંથી પણ શિક્ષણ મેળવ્યું. તે બાળપણથી જ વિઝ્યુઅલ આર્ટ સાથે જોડાયેલા છે. ફોટોગ્રાફી તેનો મુખ્ય શોખ છે અને તેણે અનેક ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજ્યું છે.


