રાજસ્થાનમાં મહિલાને નિર્વસ્ત્ર ફેરવવા ઉપર પ્રિયંકાનો આક્રોશ: રાહુલ ગાંધી હજી મૌન છે
- X પોસ્ટ પર પ્રિયંકાએ લખ્યું : આવી અપરાધી ઘટનામાં ન્યાય મળવો જ જોઈએ : નડ્ડાએ કહ્યું : રાજસ્થાનમાં શાસન વ્યવસ્થા જ નથી
જયપુર : રાજસ્થાનમાં પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવદ ગામે ૨૧ વર્ષની એક આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરી ફેરવવાના કહેવાતા સમાચારોએ સનસનાટી ફેલાવી દીધી છે. આ સમાચારોથી તે વિસ્તારમાં ગરમા-ગરમી વ્યાપી રહી છે. પોલીસે તે મામલામાં તેના પતિ સહિત આઠ લોકોને અટકાયતમાં લીધા છે. ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે ૧૦ જણના નામ નોંધવામાં આવ્યા છે.
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ ઘટનાની ઉગ્ર ટીકા કરતા પિડિતાને ત્વરિત ન્યાય આપવા અપીલ કરી છે. તેઓએ ઠ પોસ્ટ ઉપર લખ્યું હતું કે, મહિલાઓ વિરૂદ્ધ થતા અપરાધોમાં ત્વરિત ન્યાય અપાવવો અતિ આવશ્યક છે આવા મામલામાં સખ્ત કાર્યવાહી કરી અપરાધીઓને જલ્દીમાં જલ્દી સજા કરવી જોઈએ.
વધુમાં જાણવા મળ્યું છે કે, રાજસ્થાન સરકારે ત્વરીત પગલા લઈ અપરાધીઓની ધરપકડ કરી છે. રાજ્ય સરકારે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને સજા કરવાની ઘોષણા પણ કરી છે.
જો કે, આ ખબર જાહેર થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે, 'રાજસ્થાનમાં શાસન જેવી કોઈ ચીજ રહી જ નથી. મુખ્યમંત્રીઓ અને તેમના સહયોગીઓ પરસ્પર ઝઘડવામાં જ વ્યસ્ત છે.' નડ્ડાએ વધુમાં કહ્યંન હતું કે, 'તે રાજ્યમાં શાસન વ્યવસ્થા ખત્મ થઈ ગઈ છે. આજકાલ મહિલાઓના ઉત્પીડનની કોઈને કોઈ ઘટના સામે આવે જ છે. પ્રદેશમાં મહિલા સુરક્ષા પ્રત્યે તદ્દન બેદરકારી જ રખાય છે. પરંતુ જનતા રાજ્ય સરકારને પાઠ ભણાવશે.'
ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, તે મહિલાના સાસરિયાએ જ આ ઘટના કરી હતી કારણ કે તેઓ પીડિતાથી નારાજ હતા તેઓને વહેમ હતો કે તે કોઈ બીજા પુરુષ સાથે પણ રહેતી હતી.