India

વડાપ્રધાન મોદી આજે જોર્ડનની મુલાકાતે મ.પૂ.ની પ્રવાહી સ્થિતિમાં તેનું મહત્વ ઘણું છે

By GS TEAM
14 Dec 20251 min read
વડાપ્રધાન મોદી આજે જોર્ડનની મુલાકાતે મ.પૂ.ની પ્રવાહી સ્થિતિમાં તેનું મહત્વ ઘણું છે

હમાસ, હીજબુલ્લા અને સીરીયામાં હજી ભડાકા ચાલે છે

કીંગ અબ્દુલ્લા રાજાના આમંત્રણથી મોદી જોર્ડન ગયા છે કીંગ અબ્દુલ્લા સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા મંત્રણા થશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૫થી જોર્ડનની બે દિવસની મુલાકાતે જવાના છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની ૭૫મી જયંતિ નિમિત્તે યોજાઈ રહી છે. આ સહસ્રાબ્દની ભારતના વડાપ્રધાનની જોર્ડનની આ પહેલી મુલાકાત બની રહેશે.

જોર્ડન સ્થિત ભારતના રાજદૂત મનીષ ચૌહાણ જણાવે છે કે, વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો તેમજ આ વિસ્તાર માટે પણ મહત્વની બની રહેશે. વડાપ્રધાન કીંગ અબ્દુલ્લા સેકન્ડનાં આમંત્રણથી જોર્ડન આવી રહ્યા છે. તેઓ ૨૦૧૮માં જોર્ડન આવ્યા હતા, પરંતુ તે માત્ર 'ટ્રાન્ઝિટ વિઝિટ' હતી. ભારત-જોર્ડન રાજકીય સંબંધોની સ્થાપનાના ૭૫મી જયંતિ નિમિત્તે યોજાનારી આ મુલાકાતનું મહત્વ ઘણું છે. તે સ્મરણીય બની રહે તેમ છે.

વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અત્યંત વ્યસ્ત રહેશે. તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે જોર્ડનના રાજા અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણા તો કરશે જ પરંતુ તે પૂર્વે બંને નેતાઓ એકથી એક મંત્રણા કરશે, જેમાં મધ્યપૂર્વની વિશેષતઃ ઈઝરાયલ-હમાસ સંઘર્ષ, હીઝબુલ્લા અને સીરીયા તેમજ ઈઝરાયલ-ઈરાન-સંઘર્ષ વિષે ચર્ચા કરશે તે સહજ અને સ્વાભાવિક છે.

કીંગ અબ્દુલ્લા અને વડાપ્રધાન મોદી 'ઈન્ડીયા-જોર્ડન-બીઝનેસ-ઈવેન્ટ'ને સંબોધન કરશે. આ પછી તા. ૧૬મીએ રવાના થતાં પૂર્વે નરેન્દ્ર મોદી જોર્ડન સ્થિત ભારતીયોને પણ મળવાના છે.