સોનામાં રેકોર્ડ : ભાવ રૂ.55 હજાર બોલાયા, ચાંદી રૂ.અઢી હજાર ગબડી
- અમેરિકામાં જીડીપી 32.90 ટકા ગબડતાં...
- યુએસમાં બેરોજગારીના દાવા પણ વધ્યા: સોનામાં ઉંચા ભાવના પગલે માગ ઘટી 26 વર્ષના તળીયે ઉતરશે: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
(વાણિજય પ્રતિનિધિ) મુંબઈ, તા. 30 જુલાઇ, 2020, ગુરૂવાર
દેશના ઝવેરીબજારોમાં આજે સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી તથા નવી ટોચ જોવા મળી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ વધી 10 ગ્રામના રૂ.55 હજારના જાદુઈ મથાળને આંબી ગયા હતા.
જોકે એક બાજુ સોનું વધી રહ્યું હતું ત્યારે આજે ચાંદીના ભાવમાં ઉંચેથી કડાકો બોલાતાં ખેલાડીઓ વિમાસણ અનુભવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનામાં આગેકૂચ જારી રહી હતી.
અમેરિકામાં બીજા ત્રિમાસિકમાં અર્થતંત્રને મોટો ફટકો પડતાં ત્યાં જીડીપીનો દર વાર્ષિક ધોરણે 32.90 ટકા તૂટી જતાં તથા ત્યાં બેરોજગારીનો દાવાઓ 14.34 લાખ જેટલા આજે વધતાં અમેરિકાના શેરબજારો ગબડયા હતા સામે ડોલર ઈન્ડેક્સ પર દબાણ વધતાં સોનામાં વૈશ્વિક ધોરણે રેકોર્ડ તેજી આગળ વધ્યાના સમાચાર મળ્યા હતા.
અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના વધુ રૂ.300 વધી 99.50ના રૂ.54800 તથા 99.90ના રૂ.55000 બોલાયા હતા. જોકે અમદાવાદ ચાંદીના ભાવ આજે વધતા અટકી કિલોના રૂ.2500 ગબડી રૂ.62500 બોલાઈ ગયાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વબજારમાં સોનાના એક ઔંશના ભાવ 1955 ડોલરથી વધી મોડી સાંજે 1961થી 1962 ડોલર બોલાઈ રહ્યા હતા. જોકે ચાંદીમાં નવી ઈન્ડસ્ટ્રીયલ માગ રૂંધાવાની ગણતરી વચ્ચે ચાંદી ઉપરાંત પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ વિશ્વબજારમાં આજે ઉંચા મથાળેથી ઝડપી ગબડયાના નિર્દેશો મળ્યા હતા.
વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ 24.30 ડોલરવાળા આજે સાંજે 23.37 ડોલર રહ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ 943થી ઘટી 911 ડોલરે તથા પેલેડીયમના ભાવ 2253થી ગબડી સાંજે 2072 ડોલર બોલતાં વૈશ્વિક ખેલાડીઓ અચંબામાં પડી ગયા હતા.
મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી તથા કલકત્તાના ઝવેરીબજારોમાં પણ આજે સોના તથા ચાંદીના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. અમેરિકામાં પર્સનલ સ્પેન્ડીંગના આંકડા પણ નબળા આવ્યા છે. જર્મનીમાં જીડીપીનો દર 10 ટકાથી વધુ ગબડયાના સમાચાર મળ્યા હતા.
અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા અર્થતંત્રને સપોર્ટ કરવા વધુ સ્ટીમ્યુલ્સના સંકેતો અપાયા છે એ જોતાં કરન્સીનો પુરવઠો તથા ફુગાવો વધવાની ભીતી જોતાં વિશ્વબજારમાં હવે પછી સોનાના ભાવ ઝડપથી વધી 2000 ડોલર થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, માગના અભાવ વચ્ચે વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ બેથી અઢી ટકા તૂટયા હતા. ચીનમાં સોના ચાંદીની તેજીને કાબુમાં રાખવા સરકાર સટ્ટારૂપી પ્રવૃત્તિ પર લગામ કસવા વિચારણા કરી રહ્યાના સમાચાર પણ આજે દરીયાપારથી મળ્યા હતા. દરમિયાન, સોનાના ભાવ ટૂંકા ગાળામાં ઝડપી વધી જતાં સોનાની નવી માંગ પણ રૂંધાઈ છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના જણાવ્યા મુજબ આ વર્ષે એપ્રિલથી જૂનના ગાળામાં વૈશ્વિક સ્તરે સોનાના માગ 11 ટકા ઘટી 1015થી 1016 ટન જેટલી નોંધાઈ છે. ઉપરાંત ભારતમા ંપણ આ વર્ષે સોનાની માગ ઘટી 26 વર્ષના તળિયે ઉતરી જવાની ભીતી કાઉન્સીલ દ્વારા બતાવાતા ઝવેરીબજારમાં આજે અજંપો વધ્યાના નિર્દેશો મળ્યા હતા.