Get The App

મણિપુરમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, હિંસા વચ્ચે મુખ્યમંત્રી બિરેન સિંહે આપ્યું હતું રાજીનામું

Updated: Feb 13th, 2025

GS TEAM

Google News
Google News
મણિપુરમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, હિંસા વચ્ચે મુખ્યમંત્રી બિરેન સિંહે આપ્યું હતું રાજીનામું 1 - image


President's Rule Imposed In Manipur: મણિપુરમાં બિરેન સિંહના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસાને લઈને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બનેલી છે. ગત રવિવારે એન. બિરેન સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવવા માટે ભાજપ નેતાઓની બેઠકનો દોર શરુ થઈ ગયો હતો. મણિપુર પ્રભારી સંબિત પાત્રા ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે મીટિંગ કરી રહ્યા હતા. જો કે, હવે ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે.

મણિપુરના મુખ્યમંત્રી પદેથી એન. બિરેન સિંહે આપી દીધું હતું રાજીનામું

મણિપુરમાં શાંતિ સ્થાપી શકે એવા મુખ્યમંત્રી મળવા મુશ્કેલ છે. એન. બિરેન સિંહે લાંબા સમય સુધી હિંસાચાર જોયા કર્યો હતો. તેમની પાસેથી રાજીનામું ઘણો સમય પહેલાં લઈ લેવા જેવું હતું. જો કે, બે પક્ષો વચ્ચે વેરઝેર મોટા પાયે વધી ગયા પછી તેમણે રાજીનામું આપ્યું હતું. મણિપુરમાં નવા રાજ્યપાલ એ. કે. ભલ્લાએ શપથ લીધા પછી મુખ્યમંત્રી બિરેન સિંહે રાજીનામું આપી દીધું હતું. 

મણિપુરમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, હિંસા વચ્ચે મુખ્યમંત્રી બિરેન સિંહે આપ્યું હતું રાજીનામું 2 - image

છેલ્લાં બે વર્ષમાં મણિપુરની હિંસાએ અનેકનો ભોગ લીધો છે અને આ શાંત રાજ્ય હિંસાચારની આગમાં લપેટાઈ ગયું છે. મણિપુરમાં અશાંતિ ઊભી થવા પાછળનું મુખ્ય કારણ નબળી રાજ્ય સરકાર હોવાનું જાહેરમાં ચર્ચાઈ રહ્યું છે. બિરેન સિંહે તોફાનીઓ સામે સમયસર પગલાં ભર્યા નહીં અને 'હોતી હૈ ચલતી હૈ'વાળી નીતિ અપનાવી. ભાજપના વિધાનસભ્યોમાં કોઈ મતભેદો નથી એવું રાજ્યના ભાજપ પ્રમુખ અધિકારી માયુમ શારદા દેવી વારંવાર કહી રહ્યા છે, જે શંકા ઉપજાવે છે. ભાજપના કેટલાક વિધાનસભ્યો દિલ્હીના મોવડીમંડળને મળીને બિરેન સિંહ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી આવ્યા હતા. 

મણિપુરમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, હિંસા વચ્ચે મુખ્યમંત્રી બિરેન સિંહે આપ્યું હતું રાજીનામું 3 - image

અધિકારી માયુમ શારદા દેવીએ કહ્યું હતું કે, 'મુખ્યમંત્રી રાજ્યમાં શાંતિ ઇચ્છે છે અને તેમણે કેન્દ્રને પણ કહ્યું છે કે રાજ્યના નાગરિકો શાંતિથી જીવે તે માટે પગલાં ભરવા જોઈએ. જોકે લોકો જાણે છે કે બિરેન સિંહ રાજ્યમાં હિંસા રોકવામાં નિષ્ફળ ગયા છે.'

જણાવી દઈએ કે, મણિપુરની 60 સભ્યોની વિધાનસભામાં ભાજપના 37 સભ્યો છે, પરંતુ ગઈ મે 2023થી અંદરોઅંદર બાખડી રહેલા કૂકી અને ઝો સિવિલ સોસાયટીના સભ્યોનો ઉપયોગ દેશવિરોધી તત્ત્વો કરી રહ્યા હોવાનું જાણવા છતાં સરકાર કડક પગલાં લઈ શકી નહોતી. કોંગ્રેસ પણ જાણે છે કે બાખડી રહેલાં તત્ત્વોના સળગતા મુદ્દા હાથમાં પકડવાનો કોઈ અર્થ નથી.

કોઈ પણ પક્ષના નેતા પાસે મણિપુરની અશાંતિને દૂર કરવાની જાદુઈ લાકડી નથી. ત્યારે હવે કેન્દ્ર સરકારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને હિંસક તત્ત્વોનો સફાયો કરવાનો તખ્તો તૈયાર કર્યો હોય શકે છે. જે રીતે મણિપુરમાં પ્રસરેલી હિંસાનો લાભ દેશવિરોધી તત્ત્વો ઉઠાવી રહ્યા છે તે જોતાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે.


Tags :