દવાઓના પેકિંગ અને લેબલના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી
- દવા કંપનીઓ ચમકદાર પેકિંગ રાખી શકશે નહીં
- પેકિંગ પર એક્સ્પાયરી ડેટ વૃદ્ધ પણ વાંચી શકે તેટલા મોટા અક્ષરોમાં એક જ નહીં અનેક સ્થળે છાપવી પડશે
નવી દિલ્હી : દેશમાં દવા નિયમનકાર (ડીજીસીઆઈ) દવાઓના પેકિંગ અને લેબલિંગ સાથે સંકળાયેલા નિયમોમાં મોટાપાયા પર ફેરફાર કરવાની તૈયારીમાં છે. તેના કારણે હવે દવા પર લખેલી એક્સપાયરી ડેટ અને અન્ય જાણકારી વાંચવી સરળ થઈ જશે. તેનો હેતુ દર્દીઓને દવા અંગે સ્પષ્ટ જાણકારી આપવાનો છે, જેથી તે દવા પસંદ કરી શકે. તેના પછી જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે અંતર કરવું સરળ થઈ જશે.
ડીસીજીઆઈની એક ટીમ આ ફેરફારો પર કામ કરી રહી છે અને તેને ઝડપથી લાગુ કરવાની તૈયારીમાં છે. અધિકારીઓના જણાવ્યા મુજબ નિયમનકારને ગ્રાહકો તરફથી સતત ફરિયાદ મળતી હતી કે દવાઓના પેકેટ પર જાણકારી અત્યંત નાના અક્ષરોમાં હોય છે, ચમકદાર લેબલથી વાંચવુ મુશ્કેલ હોય છે,જેનેરિક તેમજ બ્રાન્ડેડ દવાઓ વચ્ચે ફરક કરવો લગભગ અશક્ય છે. આ બધી વાતોને જોતાં આ પહેલ શરૂ કરવામાં આવી છે.
આમાં પ્રસ્તાવિત ફેરફારોમાં દવાના પેકેટ પર એક્સ્પાયરી ડેટ અને બેચ નંબર વૃદ્ધ વાંચી શકે તેવા મોટા અક્ષરોમાં છાપવા પડશે. દવાઓના ચમકદાર પેકેજિગ બંધ કરાશે. દવાની સ્ટ્રિપ પર એક્સ્પાયરી ડેટ એક જ નહીં અનેક સ્થળે છપાશે.
નિયામકે પ્રસ્તાવિત નિયમોની સમીક્ષા માટે એક પેટા સમિતિ બનાવી છે. તે ટૂંક સમયમાં રિપોર્ટ સોંપશે. આ સમિતિ દવાઓ અને સૌંદર્ય પ્રસાધન નિયમ ૧૯૪૫માં આ ફેરફારોને સામેલ કરવાના પદ્ધતિ પણ જોઈ રહી છે. આ નિયમ દેશમાં બનેલી, આયાતીત અને વેચવામાં આવતી દવાઓની ગુણવત્તા નિયંત્રિત કરે છે.
હાલમાં ઘણા દર્દી બ્રાન્ડનું નામ માંગે છે અથવા મેડિકલ સ્ટોર તેને મોંઘી દવા પધરાવી દે છે. જ્યારે સસ્તી જેનેરિક દવા ઉપલબ્ધ હોય છે.પેકિંગમાં ફરક ન સમજી શકવાના લીધે દર્દી જાણકારીના અભાવમાં મોંઘી દવા ખરીદે છે. તેથી આ ભ્રમને દૂર કરવા માટે ખાસ નિશાન પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ ફેરફારથી દવા બજારમાં પારદર્શકતા આવશે, દર્દીઓનો વિશ્વાસ વધશે અને તે પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય દવા પસંદ કરી શકશે. આંકડા મુજબ ભારતીય બજારમાં મે ૨૦૨૫માં ૧૯૭૨૦ કરોડ રુપિયાનું વેચાણ નોંધાયું છે, જે ગયા વર્ષની તુલનાએ ૭.૨ ટકા વધારે છે. આ બતાવે છે કે દવાઓની માંગ સતત વધી રહી છે, આવામાં દર્દીઓને યોગ્ય જાણકારી આપવી ઘણી જરૂરી છે.