દેશના આ રાજ્યમાં દરેક પરિવારને 'યુનિક ફેમિલી આઈડી' આપવાની તૈયારી, 18 વર્ષ થતા જ ચૂંટણી કાર્ડ ઘરે પહોંચી જશે
દહેરાદૂન, તા. 14 ફેબ્રુઆરી 2023 મંગળવાર
ઉત્તરાખંડમાં હવે 18 વર્ષની ઉંમર થતા જ મતદાન કાર્ડ ઘરે પહોંચી જશે. હરિયાણાની જેમ તૈયાર થઈ રહેલા પરિવાર ઓળખપત્રની મદદથી આ શક્ય થઈ શકશે. આઈટી વિભાગે પ્રદેશના દરેક પરિવારનો ઓનલાઈન ડેટા બેન્ક તૈયાર કરવાની કવાયત હાથ ધરી છે.
હરિયાણામાં પરિવાર રજિસ્ટરમાં દરેક પરિવારના દરેક સભ્યની સમગ્ર જાણકારી છે. કોઈ પરિવારને કોઈ સરકારી યોજનાનો લાભ મળી રહ્યો હોય તો તેની સમગ્ર જાણકારી પણ અપડેટ છે. ઉત્તરાખંડમાં પણ સરકારે આ રીતે પરિવાર ઓળખપત્ર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આઈટી વિભાગ સમગ્ર પ્રદેશના દરેક પરિવારની ઓનલાઈન ડેટા બેન્ક તૈયાર કરી રહ્યુ છે.
દરેક પરિવારને અપાશે યુનિક આઈડી
પરિવાર ઓળખપત્રમાં જે પણ ડેટા ઉમેરવામાં આવશે, તેમાં પરિવારની પરવાનગી લેવામાં આવશે. દરેક પરિવારને યુનિક ફેમિલી આઈડી આપવામાં આવશે. ઓટોમેટિક અપડેશન માટે ફેમિલી આઈડીને જન્મ, મૃત્યુ અને વિવાહ રેકોર્ડ સાથે જોડવામાં આવશે. ત્રણેયમાંથી કોઈનું પણ રજિસ્ટ્રેશન થવા પર જાણકારી ફેમિલી આઈડીમાં અપડેટ થઈ જશે. ફેમિલી આડીમાં સ્કોલરશિપ, સબસિડી અને પેન્શન જેવી યોજનાઓની જાણકારી પણ અપડેટ થશે.
યોજનાઓના લાભ માટે અરજીની જરૂર નહીં
પરિવાર ઓળખપત્રનો ડેટા સરકારી યોજનાઓમાં પાત્રતા નક્કી કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. આના માધ્યમથી યોજનાઓનો લાભ પ્રાપ્ત કરવા માટે લાભાર્થીઓની સ્વ-પસંદગી થશે. એકવાર ડેટાબેઝ બન્યા બાદ પરિવારોને સરકારી યોજનાઓ હેઠળ લાભ પ્રાપ્ત કરવા માટે અરજી કરવાની જરૂર નથી. આ સિવાય ડેટા પ્રમાણિત અને સત્યાપિત થયા બાદ કોઈ અન્ય દસ્તાવેજ જમા કરવાની જરૂર રહેશે નહીં.