3 ઈડિયટ્સની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી, મુંબઈ રેલવે સ્ટેશન પરની અનોખી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pregnant Woman Delivers Baby in Mumbai Local Train: મુંબઈના રામ મંદિર રેલવે સ્ટેશન પર બુધવારે (15મી ઓક્ટોબર) મોડી રાતે એક અનોખી અને પ્રશંસનીય ઘટના બની હતી. અહીં મેડિકલ સુવિધાઓના અભાવ વચ્ચે પણ એક યુવકે પોતાના ડૉક્ટર મિત્રની મદદથી ટ્રેનમાં અચાનક પ્રસવ પીડા ઉપડેલી એક મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, વિકાસ દિલીપ બેદ્રે નામનો એક યુવાન ગોરેગાંવથી એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો. રામ મંદિર રેલવે સ્ટેશન નજીક પહોંચતા ટ્રેનમાં સવાર એક ગર્ભવતી મહિલા મુસાફરને અચાનક તીવ્ર પ્રસવ પીડા ઉપડી. પરિસ્થિતિની ગંભીરતા જોતા વિકાસે તાત્કાલિક લોકલ ટ્રેનની ચેઇન ખેંચી અને ટ્રેનને રામ મંદિર સ્ટેશન પર રોકી દીધી. જો કે, સ્ટેશન પર મહિલાની મદદ માટે કોઈ તબીબી સુવિધા કે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી.
વીડિયો કોલ પર ડૉક્ટરની મદદ લીધી
આ ક્ષણે વિકાસે હિંમત ન હારતા તરત જ તેની ડૉક્ટર મિત્ર, ડૉ. દેવિકા દેશમુખને ફોન કર્યો. મહિલાની ગંભીર સ્થિતિની જાણ થતાં, ડૉ. દેવિકાએ તરત જ વીડિયો કોલ શરૂ કર્યો. ફિલ્મ '3 ઈડિયટ્સ'ના દ્રશ્યની જેમ, ડૉ. દેવિકાએ વીડિયો કોલ પર જ વિકાસને ડિલિવરીની સમગ્ર પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવી. વિકાસે ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટેશન પર હાજર અન્ય લોકોની મદદથી મહિલાની ડિલિવરી કરાવી. મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી
માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ
ડિલિવરી બાદ માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. સમયસૂચકતા વાપરીને મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરનારા યુવાન વિકાસ દિલીપ બેદ્રે અને ફોન પર જ યોગ્ય માર્ગદર્શન આપીને જીવ બચાવનાર ડૉ. દેવિકા દેશમુખના કાર્યની રેલવે પ્રશાસન અને સ્થાનિક લોકો દ્વારા વ્યાપક પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમની સમયસરની મદદથી એક જીવ બચી ગયો અને એક નવું જીવન દુનિયામાં આવ્યું.








