Swami Avimukteshwaranand: માઘ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા પર પ્રતિબંધ બાદ વકરેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. માઘ મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે કે, સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં તમે પોતાના નામની આગળ 'શંકરાચાર્ય' કેમ લગાવ્યું છે?
મેળા ઓથોરિટીએ પોતાની નોટિસમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ સિવિલ અપીલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સંદર્ભમાં હજુ સુધી કોઈ આદેશ પસાર કરવામાં નથી આવ્યો, આવી સ્થિતિમાં કોઈપણ ધર્માચાર્ય જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે પટ્ટાભિષેકિત ન થઈ શકે. તેમ છતાં તેના સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મેળા વિસ્તારમાં લાગેલા તેમના શિબિરના બોર્ડ પર તેમના નામની આગળ "શંકરાચાર્ય" લખ્યું છે.
24 કલાકમાં જવાબ આપો
ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને 24 કલાકની અંદર તેને સુધારવા માટે કહ્યું છે અને તેનું કારણ પણ જણાવવા કહ્યું છે.

તમને જણાવી દઈએ કે, માઘ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર સંગમમાં શોભાયાત્રા સાથે સ્નાન કરવા જઈ રહેલા જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને રોકવા અંગેનો વિવાદ વઘુ ઘેરો બન્યો છે. પોતાનું અપમાન અને પોતાના શિષ્યો સાથે પોલીસના ગેરવર્તનથી દુ:ખી અવિમુક્તેશ્વરાનંદ મેળા વહીવટી તંત્ર વિરુદ્ધ ધરણા પર બેઠા છે.
રવિવારે મૌની અમાસ મહાપર્વના મહાસ્નાન પર રવિવારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મીડિયા સાથે વાત કરી હતી તો બીજી તરફ સોમવારે પોલીસ અને વહીવટી અધિકારીઓએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
શું છે સમગ્ર વિવાદ?
રવિવારે સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર, જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા રોક્યા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી. આનો તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા. મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ ગયા.
આ પણ વાંચો: 'નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું...', અનશન વચ્ચે શંકરાચાર્યનો ગંભીર આરોપ
પ્રશાસનનો પક્ષ: 'પરંપરા વિરુદ્ધ અને મંજૂરી વિના આવ્યા હતા'
બીજી તરફ, મંડલાયુક્તે કહ્યું કે અમાસની ભીડને કારણે સંગમ વિસ્તારને 'નો વ્હીકલ ઝોન' જાહેર કરવામાં આવ્યો હતો. તેમના મતે, શંકરાચાર્ય પરંપરા વિરુદ્ધ અને કોઈ પણ મંજૂરી વિના લગભગ 200 અનુયાયીઓ સાથે પાલખી પર સવાર થઈને આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે શંકરાચાર્યના સમર્થકોએ બેરિયર તોડીને લગભગ ત્રણ કલાક સુધી વાપસીનો માર્ગ અવરોધિત કર્યો, જેનાથી સામાન્ય જનતાને ભારે અસુવિધા થઈ અને કોઈ મોટી દુર્ઘટના ઘટી શકતી હતી.


