બિહારમાં NDA જીતશે તો ભાજપ નીતિશને CM નહીં બનાવે...', પ્રશાંત કિશોરનો મોટો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Prashant Kishor On Bihar Election: બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તાડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે ચૂંટણી પંચની ટીમ પણ હાલમાં રાજ્યમાં તહેનાત છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ચૂંટણી પંચ બે દાયકા પછી એટલે કે 2003 પછી પહેલી વાર કયા કારણોસર એક વિશેષ અને સઘન મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવી રહ્યું છે. હવે ચૂંટણી પહેલા તમામ મુદ્દે જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. આ દરમિયાન તેમણે તેજસ્વી યાદવથી લઈને નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે.
વોટર લિસ્ટ રિવીઝન પર શું બોલ્યા પ્રશાંત કિશોર?
પ્રશાંત કિશોરે કહ્યું કે, તેની પૃષ્ઠભૂમિ સમજવાની જરૂર છે કારણ કે, મહારાષ્ટ્રમાં આ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. 2003 બાદ આ પ્રકારની ડ્રાઈવ ચૂંટણીના બે-ત્રણ મહિના પહેલા ચૂંટણી પંચ નથી કરતું. મહારાષ્ટ્ર અને હરિયાણાના લોકોએ જણાવ્યું કે, આ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવી અને ત્યાં જે પરિણામો આવ્યા હતા, તેમાંથી કેટલાક લોકો, ખાસ કરીને મુખ્ય વિપક્ષ કોંગ્રેસના રાહુલ ગાંધીનું માનવું છે કે ઈલેક્ટોરલ રોલના રિવિઝનમાં મોટા પાયે ગડબડ થઈ હતી. હવે આમાંથી કેટલું સાચું છે અને ખોટું છે, તે તપાસનો વિષય બની શકે છે.
પ્રશાંત કિશોરે આગળ કહ્યું કે, 'એક-એક વર્ગમાં કમ સે કમ એ વાત બની છે કે, ચૂંટણીના ત્રણ મહિના પહેલા આ પ્રકારની ડ્રાઈવ કેમ ચલાવવામાં આવી રહી છે અને જો તે ચલાવવામાં આવી રહી છે તો મને લાગે છે કે ચૂંટણી પંચે જનતાને સ્પષ્ટ કરવું જોઈએ કે તેની પ્રક્રિયા શું હશે, તેની પારદર્શિતા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે અને જેટલા પણ સ્ટેક હોલ્ડર છે ચૂંટણી લડનારા અને લડાવનારા, મતદારો, આ બધાને એ વિશ્વાસ થવો જોઈએ કે આ પ્રક્રિયા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુધારવા માટે કરાવવામાં આવી રહી છે. તે કોઈ એક વર્ગ અથવા કોઈ એક પક્ષના સમર્થકો અથવા વિરોધીઓને હટાવવા અથવા જોડવા માટે નથી.'
તેજસ્વી યાદવ પર સાધ્યુ નિશાન
પટનામાં તાજેતરમાં જ તેજસ્વી યાદવે વિદ્યાર્થી સંસદનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે હજારો વિદ્યાર્થીઓને 'પેન' વહેંચી હતી અને શિક્ષણ સુધારાના વાયદા કર્યા હતા. તેના પર પ્રતિક્રિયા આપતા પ્રશાંત કિશોરે તીખી ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, લોકશાહીમાં તમામ પાર્ટીઓને એ અધિકાર છે કે, તેઓ પોતાના વોટર્સને અથવા જે તેમને સાંભળવા તૈયાર છે તેમની સામે પોતાની વાત રાખો તેમાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ જ્યારે તેજસ્વી યાદવ શિક્ષણ વિશે વાત કરે છે, ત્યારે બિહારના લોકોએ સમજવું પડશે કે 15-50 વર્ષ સુધી તેમના માતા-પિતાની આરજેડીની સરકાર સત્તામાં હતી. બિહારમાં શિક્ષણ વ્યવસ્થાના એ 15 વર્ષ (1990 થી 2005) દરમિયાન જેટલું નુકસાન થયું છે તેટલું કદાચ બીજા કોઈ સમયગાળામાં નથી થયું.
પ્રશાંત કિશોરે કહ્યું કે, 'લોકોએ એ સમજવાની જરૂર છે કે તેજસ્વી યાદવ 3 વર્ષ ડેપ્યુટી સીએમ રહ્યા છે અને સરકારની કમાન તેમના હાથમાં હતી અને તેમણે શિક્ષણ વ્યવસ્થા માટે શું કર્યું? છેલ્લી જે સરકાર મહાગઠબંધનની હતી તેમાં શિક્ષણ મંત્રી આરજેડીના જ હતા, તેમણે તે સમયે શિક્ષણની સ્થિતિ સુધારવા માટે શું કર્યું? લોકોએ તે જોવું જોઈએ. રહી વાત પેન વિતરણની તો અમે તેનો વિરોધ કરીએ છીએ કે તમે પેન વહેંચો છો, મીઠાઈ વહેંચો છો, સાડી વહેંચો છો, પૈસા, દારૂ વહેંચો છો અને લોકોના મત લો છો. પેન વહેંચવાથી કોઈનું ભલુ નથી થવાનું. જો તમે વહેંચી શકો તો જ્ઞાન વહેંચો, શિક્ષણ વહેંચો, રોજગારનું વિતરણ કરો. પેનનું વિતરણ કરીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરવો એ ખૂબ જ પ્રતીકાત્મક બાબત છે, તેનું કોઈ મહત્વ નથી.'
'જંગલ રાજ' પર પ્રશાંત કિશોરનો કટાક્ષ
તેજસ્વી યાદવ દ્વારા વારંવાર 'જંગલ રાજ' શબ્દનાઉપયોગ પર પ્રશાંત કિશોરે કહ્યું કે, 'આ કોઈ રાજકીય નિવેદન નથી, પરંતુ હાઈકોર્ટના ન્યાયાધીશોએ કહ્યું હતું કે 90ના દાયકાના અંત સુધી બિહારમાં જંગલ રાજ હતું. એ સત્ય છે કે તે સમયમાં હત્યા, અપહરણ, ખંડણી ચરમસીમા પર હતી. વેપારીઓ પટણાથી પલાયન કરી રહ્યા હતા. જો તેજસ્વી યાદવ તે સમયગાળાને સુશાસન કહે છે, તો જનતાએ સમજવું જોઈએ કે તેઓ બિહારને કઈ દિશામાં લઈ જવા માંગે છે.'
આ પણ વાંચો: ખૈબર પખ્તૂનખ્વાંમાં પાકિસ્તાની સૈન્યના કાફલા પર આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત
નીતિશ કુમારે અંગે પ્રશાંત કિશોરે શું કહ્યું?
નીતિશ કુમારની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, મુખ્યમંત્રી તરીકે હવે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ એવી નથી રહી કે તેઓ મુખ્યમંત્રી બની શકે. જે વ્યક્તિ સ્ટેજ પર બેસીને તેમની બાજુમાં બેસેલા વડાપ્રધાનનું નામ ભૂલી જાય છે, હવે તમે તેમના પર શું અપેક્ષા રાખો છો કે તે વ્યક્તિ બિહાર જેવા કોમ્પ્લેક્સ સ્ટેટની લીડરશિપ લઈને ચાલે. હવે જો આ વાત તમે જાણો છો, અમે જાણીએ છીએ, બિહારના સામાન્ય લોકો પણ જાણે છે, તો પછી અમિત શાહ અને મોદીજીને ખબર ન હોય એ કેવી રીતે સંભવ બને. તેઓ પણ જાણે છે પરંતુ તેમની રાજકીય મજબૂરીઓ છે, ભાજપની પોતાના દમ પર ચૂંટણી લડવાની ન તો તૈયારી છે અને ન તો તેનામાં દમ છે. તો તેમને નીતિશ કુમાર સાથે લડવું પડશે. જો ભાજપને ભૂલથી પણ સત્તા મળી જાય તો ભાજપ નીતિશને હટાવી દેશે અને પોતાના જ કોઈ એક વ્યક્તિને મુખ્યમંત્રી બનાવશે. નીતિશ કુમાર હવે ન તો સરકાર ચલાવી રહ્યા છે, ન તો પાર્ટી, ન તો NDA ગઠબંધન. બધું ભાજપ અને અમિત શાહ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.








