રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત ખરીદ્યા

Bihar Politics: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં જનસુરાજને મળેલી કારમી હાર બાદ તેના સ્થાપક અને વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે (18મી નવેમ્બર) પટણામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે હાર માટે પોતાને જવાબદાર ઠેરવ્યા હતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કિશોરે સ્પષ્ટ કર્યું હતું કે તે રાજકારણ છોડવાના નથી અને ફરીથી પ્રયાસ કરશે.
હારની જવાબદારી લઉં છું: પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે ચૂંટણીમાં મળેલી નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી હતી. તેમણે કહ્યું કે, 'અમે અમારા પ્રયાસોમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. સિસ્ટમ બદલવાની વાત તો ભૂલી જાઓ, અમે સરકાર પણ બદલી શક્યા નહીં. અમે કેટલીક ભૂલો કરી હશે, જેના કારણે જનતાએ અમને ચૂંટ્યા નહીં. હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું. અમે આત્મચિંતન કરીશું. ચૂંટણી જીતનારાઓને અભિનંદન.'
પ્રાયશ્ચિત માટે 20મી નવેમ્બરથી મૌન ઉપવાસ
હવે આગળ શું કરવું તે અંગે વાત કરતાં પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, 'હું 20મી નવેમ્બરથી પ્રાયશ્ચિત તરીકે મૌન ઉપવાસ કરીશ. અમે ભૂલો કરી હશે, પરંતુ અમે કોઈ ગુનો કર્યો નથી. અમે બિહારમાં હિન્દુ-મુસ્લિમ રાજકારણ રમ્યું નથી. અમે પૈસાથી મત ખરીદ્યા નથી. જેમણે કર્યું છે તેમણે જવાબ આપવો પડશે.'
રાજકારણ છોડવા અંગે તેમણે કહ્યું કે, 'કેટલાક લોકો વિચારી રહ્યા છે કે હું બિહાર છોડી દઈશ, તે તેનો ભ્રમ છે. હું અહીં રહીશ, સખત મહેનત કરીશ, અને ફરીથી પ્રયાસ કરીશ.'
નીતિશ કુમાર પર ગંભીર આક્ષેપ
પ્રશાંત કિશોરે સીધા મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે 'NDAને આ જીત પૈસાના વિતરણને કારણે મળી છે. પહેલીવાર એવી ચૂંટણી યોજાઈ છે જેમાં 40 હજાર કરોડ ખર્ચવાનું વચન આપવામાં આવ્યું છે, તેથી જ NDAને આ જીત મળી છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 60થી 62 હજાર લોકોને 10 હાજાર રૂપિયા આપવામાં આવ્યા છે, એવું કહેવામાં આવ્યું હતું કે 2 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. 10 હજાર રૂપિયા પછી 2 લાખ રૂપિયા પણ આપવામાં આવશે તે જણાવવા માટે સમગ્ર સરકારી તંત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.'
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરના આ ગંભીર આક્ષેપોએ બિહારના રાજકારણમાં નવો હોબાળો મચાવ્યો છે અને વિજેતા NDA ગઠબંધન પર સવાલો ઊભા કર્યાંછે.

