કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત, પેન્શન અને નિવૃત્તિ પર સરકારની નવી જાહેરાત

Central Government Pension News: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપતો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કર્મચારીઓને નિવૃત્તિ (Retirement) બાદ પેન્શન અને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં, અને પેન્શન સમયસર મળવામાં કોઈ વિલંબ થશે નહીં.
ભારત સરકારના પેન્શનર કલ્યાણ વિભાગે (Department of Pensioners' Welfare - DoPPW) એક કાર્યાલય નોટિફિકેશન બહાર પાડીને તમામ સરકારી વિભાગોને સમયમર્યાદામાં પેન્શન સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા જણાવ્યું છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કર્મચારીઓને નિવૃત્તિ પછી તરત જ તેમનો PPO (પેન્શન પેમેન્ટ ઓર્ડર) મળી જાય.
PPO શું છે?
PPO એ 12 અંકોનો એક અદ્વિતીય (Unique) નંબર હોય છે, જે દરેક પેન્શનરને ફાળવવામાં આવે છે. આ દસ્તાવેજમાં પેન્શનરનું નામ, જન્મ તારીખ, પેન્શનની રકમ, નિવૃત્તિની તારીખ જેવી જરૂરી માહિતી હોય છે. પેન્શન માટે અરજી કરતી વખતે અને વાર્ષિક જીવન પ્રમાણપત્ર (Life Certificate) જમા કરાવતી વખતે આ PPO નંબરની જરૂર પડે છે. તે વગર, PF ખાતું એક બેંક શાખામાંથી બીજી શાખામાં સ્થાનાંતરિત કરવું પણ મુશ્કેલ બની શકે છે.
કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, પેન્શન વિભાગે તમામ મંત્રાલયો અને સરકારી વિભાગોને સૂચના આપી છે કે તેઓ ખાતરી કરે કે પેન્શનરોને તેમની નિવૃત્તિ પહેલાં જ PPO નંબર ઈશ્યૂ કરી દેવામાં આવે. આ માટે, સરકારે ડિજિટલાઈઝેશન અપનાવીને અને e-HRMS (ઈલેક્ટ્રોનિક-હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ) ને સંપૂર્ણ રીતે લાગુ કરીને કર્મચારીઓના સર્વિસ રેકોર્ડને ડિજિટલ રીતે સુરક્ષિત કરવા પણ કહ્યું છે. આનાથી વેરિફાઈડ સર્વિસ રેકોર્ડ ઑનલાઈન ઉપલબ્ધ રહેશે, જેનાથી પેન્શન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના વિલંબને ટાળી શકાશે.