ગરીબ જેલમાં રહી જાય છે, અમીરોને મળી જાય છે જામીન; સુપ્રીમ કોર્ટના જજ થયા નિરાશ
Updated: Sep 19th, 2023
Image Source: Twitter
- અંડરટ્રાયલ કેદીઓને લાંબા સમય સુધી જેલમાં કેદ રાખવાની બાબત ભયજનક
નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સંજય કિશન કૌલે ન્યાય વ્યવસ્થાની હાલની સ્થિતિ પર નિરાશા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ગરીબ લોકો જેલમાં એટલા માટે રહી જાય છે કારણ કે, તેઓ ખર્ચ નથી ઉઠાવી શકતા. જ્યારે વકીલ કરવામાં સક્ષમ અમીરોને જામીન મળી જાય છે. આ સમય દરમિયાન તેમણે વર્ષોથી જેલમાં બંધ અંડરટ્રાયલ કેદીઓના મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું.
ગરીબ અને અશિક્ષિત લોકોને કસ્ટડીમાં લેવાની શક્યતા વધુ
અંડરટ્રાયલ રિવ્યુ કમિટી સ્પેશિયલ કેમ્પેઈન 2023ના લોન્ચિંગના અવસર પર જસ્ટિસ કૌલે કહ્યું કે ગરીબ અને અશિક્ષિત લોકોને કસ્ટડીમાં લેવાની શક્યતા વધુ છે. તેમણે કહ્યું કે, જજ તરીકે અમારી જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે કાયદાનું પાલન અને તેમની સાથે એ આધાર પર ભેદભાવ ન થવો જોઈએ કે, તેઓ કયા સ્તરના વકીલોની સહાયતા લઈ રહ્યા છે.
આ કેમ્પેઈન હેઠળ એવા કેદીઓની ઓળખ અને સમીક્ષા કરવાની છે, જેમની મુક્તિ પર વિચાર કરી શકાય. તેમણે કહ્યું કે, અંડરટ્રાયલ કેદીઓને લાંબા સમય સુધી જેલમાં કેદ રાખવાની બાબત ભયજનક છે. તેમણે કહ્યું કે, આ મુદ્દે કોઈ પણ પોતાની આંખો બંધ ન કરી શકે. જસ્ટિસ કૌલે કહ્યું કે, ગરીબ કેદીઓને સતત કસ્ટડીમાં રાખવાથી તેની અસર તેમના પર અને તેમના પરિવાર પર પડે છે.
ન્યાય વ્યવસ્થાને ગરીબોની મદદ કરવાની અપીલ
જસ્ટિસ કૌલે કહ્યું કે, જેલમાં બંધ આવા અંડરટ્રાયલ કેદીઓનો મુદ્દો ન્યાયપાલિકા સામે ઉઠતો રહ્યો છે જે મુક્તિની સમીક્ષા કરવા યોગ્ય છે. આ દરમિયાન તેમણે ન્યાય વ્યવસ્થાને ગરીબોની મદદ કરવાની પણ અપીલ કરી હતી અને કહ્યું કે, તેઓ કાનૂની સહાયતાનો ખર્ચ નથી ઉઠાવી શકતા.
તેમણે કહ્યું કે, આજે કસ્ટડીને વિકાસના સંદર્ભમાં જોવામાં આવી રહી છે. દોષી ઠેરવતા પહેલા કસ્ટડીમાં રાખવું અપરાધિક ન્યાય સંસાધનોને ભટકાવી દે છે અને આરોપી અને તેમના પરિવારો પર બોજ મૂકી દે છે.