મુંબઇ,31 ઓગસ્ટ,2022,બુધવાર
મુંબઇમાં સાર્વજનિક ગણેશોત્સની શ્રધ્ધા અને ભકિતના માહોલમાં મંગલ શરુઆત થઇ છે. 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ગણપતિ બાપાના મોરિયાના નાદથી ગલી અને રસ્તાઓ ગુંજતા રહેશે. દર વર્ષે ગણપતિના વિવિધ સ્વરુપને કલાત્મક સ્વરુપ આપવામાં આવે છે. જેમાં ખાસ મેસેજ સમાયેલો હોય છે. વિલે પાર્લેમાં પોલીસ વર્દી આકારના ગણપતિની પ્રતિમાનો સ્વાંગ ધ્યાન ખેંચી રહયો છે.
આ વર્ષના ગણેશોત્સવ માટે મુંબઈના વિલે પાર્લે સ્ટેશનમાં ‘પોલીસ બાપ્પા’નું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસના ગણવેશમાં બાપ્પાના હાથમાં બંદૂક અને બૂટ સાવ અનોખા છે. વિલે પાર્લે પોલીસ લોકોમાં ટ્રાફિક નિયમો અને કાયદા પાલનની જાગૃતિ વધે તે માટે પોલીસ બાપાની પસંદગી કરી હતી. ખાસ કરીને સાઇબર ફ્રોડ સામે લોકો સજાગ થાય તે માટે પંડાલમાં મોબાઇલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મુંબઇ પોલીસ લોકોને જાગૃત કરવા માટે આઉટ ઓફ બોકસ આઇડિયા અમલમાં મુકે છે. આ પોલીસ બાપા ના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાશે એવી આશા રાખવામાં આવી છે.


