ઉજ્જૈનની શિપ્રા નદીમાં પોલીસની ગાડી ખાબકી, PIનું મોત, 2 અન્ય પોલીસકર્મીની શોધખોળ શરૂ
ujjain police car falls into shipra river: ભારે વરસાદના કારણે દેશભરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મધ્ય પ્રદેશમાં મહાકાલની નગરી ઉજ્જેનમાં શિપ્રા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે અહીં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગત રાત્રે પોલીસની એક ગાડી આ નદીમાં ખાબકી ગઈ હતી, જેમાં PI સહીત બે પોલીસકર્મી સવાર હતા. આ દુર્ઘટનામાં PIનું મોત થઈ ગયુ છે, તેમનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય બે પોલીસકર્મીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટના શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. શિપ્રા નદીના મોટા પુલ પરથી પસાર થતી વખતે કાર અચાનક નદીમાં ખાબકી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. છેલ્લા 11 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહી છે, પરંતુ હજુ સુધી 2 પોલીસકર્મીઓનો કોઈ પત્તો નથી લાગ્યો.
કારમાં મહિલા પોલીસકર્મી સહીત 3 લોકો હતા સવાર
અકસ્માતનો ભોગ બનેલી કારમાં PI અશોક શર્મા, એસઆઈ મદનલાલ નિનામા અને મહિલા પોલીસકર્મી આરતી પાલ સવાર હતા. ઘટના બાદ તરત જ વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. 11 કલાકની બચાવ કામગીરી બાદ PI અશોક શર્માનો મૃતદેહ મંગલનાથ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. બીજી તરફ મદનલાલ અને આરતી પાલની શોધખોળ હજુ પણ ચાલુ છે.
ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્માએ જણાવ્યું કે, ગુરાડિયા સાંગમાંથી એક મહિલા ગુમ થઈ ગઈ હતી. ત્રણેય પોલીસકર્મીઓ તે મહિલાની તલાશમાં નીકળ્યા હતા. તેઓ ચિંતામણ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન શિપ્રા નદીના મોટા પુલને પાર કરતી વખતે તેમની કાર નીચે ખાબકી ગઈ.
નદીમાં પૂરના કારણે રેસ્ક્યુ ઓપરેશન મુશ્કેલ બન્યું
ઘટનાની માહિતી મળતા જ NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ. જોકે, શિપ્રા નદીના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પ્રવાહ ખૂબ જ ઝડપી છે, જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: દાહોદમાં ગોઝારો અકસ્માત, બેકાબૂ પિકઅપ પલટી, એક જ પરિવારની 3 મહિલા અને એક બાળકનું મોત
11 કલાકથી ચાલુ રેસ્ક્યુ ઓપરેશન
નદીમાં કાર પડી હોવાની માહિતી મળતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, સવારે જ્યારે PI સહીત ત્રણ પોલીસકર્મીઓના ફોન બંધ આવ્યા ત્યારે કંઈક અઘટિત ઘટના ઘટી હોવાની આશંકા ગઈ. તેમના ફોનનું છેલ્લું લોકેશન સ્થળની નજીક મળી આવ્યું હતું. આ દરમિયાન મંગલનાથ વિસ્તારમાંથી PI અશોક શર્માનો મૃતદેહ મળી આવ્યા બાદ ખાતરી થઈ ગઈ કે રાત્રે નદીમાં ખાબકેલી કાર પોલીસની જ ગાડી હતી.