Get The App

PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઇન્ટરનેટ બંધ

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઇન્ટરનેટ બંધ 1 - image


POK Violence: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વિદ્રોહ ભડકી ઉઠ્યો છે. અહીં લોકો શાહબાઝ શરીફ સરકારનો વિરોધ કરી રહ્યા છે. POKમાં આજે 29 સપ્ટેમ્બરના રોજ હડતાળ જાહેર કરવામાં આવી હતી. આ હડતાળને રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાકિસ્તાનની સેનાએ સામાન્ય નાગરિકો પર ગોળીબાર શરુ કર્યો છે. પાકિસ્તાન સેનાના તમામ પ્રયાસો હોવા છતાં સ્થાનિક લોકો પીછેહટ કરી રહ્યા નથી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, દેખાવકારોએ પાકિસ્તાની સેનાના એક અધિકારીને પકડી લીધો હતો.

POKમાં હિંસા પાછળનું કારણ

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રાજકીય અને આર્થિક ઉપેક્ષાનો હવાલો આપતાં લોકો એકજૂટ થયા છે. તે અત્યારસુધીનો સૌથી મોટો નાગરિક વિદ્રોહ બની શકે છે. નાગરિક સમાજનું ગઠબંધન અવામી એક્શન કમિટી આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. તેણે દાયકાઓથી રાજકીય અને આર્થિક ઉપેક્ષાનો હવાલો આપતાં હજારો લોકોને એકજૂટ કર્યા છે. આ આંદોલનકારીઓએ 38 સૂત્રીય સંરચનાત્મક સુધારાની માગ કરી છે. જેમાં પાકિસ્તાનમાં રહેતાં કાશ્મીર શરણાર્થીઓ માટે અનામત, POKમાં 12 ધારાસભ્યોની બેઠક દૂર કરવાની માગ સામેલ છે. સ્થાનિક લોકોનો તર્ક છે કે, તે પ્રતિનિધિ શાસનને નબળું બનાવી રહ્યા છે. અન્ય માગમાં સબસીડીયુક્ત લોટ, મંગલા જળવિદ્યુત પરિયોજના હેઠળ સસ્તી વીજળી, અને ઈસ્લામાબાદ દ્વારા લાંબા સમયથી આપવામાં આવેલા વચનોને લાગુ કરવા સામેલ છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં દુષ્કર્મની ઘટના વિરુદ્ધ દેખાવોમાં હિંસા ભડકી, ગોળીબારમાં 3ના મોત



ટોળાને રોકવા ઇન્ટરનેટ પર પ્રતિબંધ

POKમાં અવામી એક્શન કમિટીએ 29 સપ્ટેમ્બર, સોમવારના રોજ વ્યાપકપણે વિરોધ પ્રદર્શન કરવા હડતાળ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા, આ હડતાળ અનિશ્ચિતકાળ સુધી ચાલવાના અંદાજ સાથે પાકિસ્તાન સરકારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ટોળાને રોકવા માટે રવિવાર રાતથી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમજ મોટાપાયે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. લોકોની નારાજગીને જોતાં શાહબાઝ સરકાર પર જોખમની ભીતિ વધી છે.

મૂળભૂત અધિકારોની લડતઃ અવામી એક્શન કમિટી

મુઝફ્ફરાબાદમાં ભીડને સંબોધતાં આવામી એક્શન કમિટીના અગ્રણી નેતા શૌકત નવાઝ મીરે કહ્યું, 'અમારું અભિયાન કોઈ સંસ્થા વિરુદ્ધ નથી, પરંતુ 70 વર્ષથી વધુ સમયથી આપણા લોકોના નકારવામાં આવેલા મૂળભૂત અધિકારો માટે છે... હવે બહુ થયું. કાં તો અધિકારો આપો અથવા લોકોના રોષનો સામનો કરો.'

સરકાર સાથે વાત નિષ્ફળ રહી

આવામી એક્શન કમિટીના વાટાઘાટકારો, પીઓકે વહીવટીતંત્ર અને સંઘીય મંત્રીઓ વચ્ચે આ મામલે વાટાઘાટો થઈ હતી, પરંતુ ત્રણ કલાકની બેઠક પછી કોઈ ઉકેલ લેવાયો ન હતો. સમિતિએ વિશેષાધિકારો અને શરણાર્થી વિધાનસભા બેઠકો નાબૂદી પર સમાધાન કરવાનો ઇન્કાર કર્યો. ત્યારબાદ શૌકત નવાઝ મીરે હડતાળ લંબાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઇન્ટરનેટ બંધ 2 - image

Tags :