MVAની બેઠકમાં 23 ધારાસભ્યો 'ગુમ', પવાર પણ ન આવ્યા... ઉદ્ધવ ઠાકરેનું દર્દ છલકાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MVA rift Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ તેમને પોતાની પાર્ટીના 6 સાંસદોના બળવાનો સામનો કરવો પડ્યો છે, ત્યાં હવે મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં પણ ભંગાણના સંકેતો દેખાઈ રહ્યા છે. બુધવારે મોડી સાંજે મહાવિકાસ અઘાડીના ધારાસભ્યોની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કુલ 60માંથી માત્ર 37 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. આમ, પૂરા 23 ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.
આટલું જ નહીં, રાજ્યના સૌથી વરિષ્ઠ નેતાઓ શરદ પવાર અને જયંત પાટીલ પણ આ બેઠકમાં પહોંચ્યા ન હતા. આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની ગેરહાજરીના કારણે ઉદ્ધવ ઠાકરેની ચિંતામાં મોટો વધારો થયો છે અને ગઠબંધન તૂટવાની આશંકાઓ સેવાઈ રહી છે.
'શું આપણે ખરેખર સાથે છીએ?' – બેઠકમાં છલકાયું ઉદ્ધવ ઠાકરેનું દર્દ
પોતાના જ સાથીઓનો સાથ ન મળતા બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેનું દર્દ જાહેરમાં છલકાયું હતું. તેમણે ગઠબંધનની એકતા પર જ સીધા સવાલો ઉઠાવતા કહ્યું કે, 'આપણે કહીએ છીએ કે આપણે એકસાથે છીએ, પણ શું આપણે ખરેખર સાથે છીએ? શું આપણે ગૃહમાં મહાવિકાસ અઘાડી તરીકે એકજૂથ છીએ? શું આપણે સાથે મળીને જનતાના મુદ્દાઓ ઉઠાવીએ છીએ? આ ખરેખર એક વિચારવા જેવી બાબત છે.'
હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષી ગઠબંધનમાં જોવા મળેલી આ શિથિલતા આગામી દિવસોમાં મોટો વળાંક લાવી શકે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર અને જયંત પાટીલ અંગત કારણોસર ગેરહાજર રહ્યા હતા અને તેની પાછળ કોઈ રાજકીય કારણ નથી.
જે ગયા તેમને જવા દો, હવે જે સાથે છે તેમના પર ફોકસ કરો
પોતાની પાર્ટીના સાંસદોની બળવાખોરી અને ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે પણ ઉદ્ધવ ઠાકરેએ લડાયક મૂડ બતાવ્યો છે. તેમણે સાથી નેતાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, 'જે લોકો પાર્ટી છોડીને ચાલ્યા ગયા છે, તેમને જવા દો. હવે આપણું મુખ્ય ધ્યાન એવા લોકો પર હોવું જોઈએ જેઓ આપણી સાથે ઊભા છે. મહાવિકાસ અઘાડી તરીકે આપણે રાજ્યમાં એક બહુ મોટી તાકાત છીએ. આપણે અંદરોઅંદર અદભુત તાલમેલ જાળવી રાખવો પડશે અને ભવિષ્યમાં ત્રણેય પક્ષો (શિવસેના UBT, કોંગ્રેસ અને NCP શરદ પવાર જૂથ) ભેગા મળીને સંયુક્ત સભાઓ અને મોટી રેલીઓનું આયોજન કરશે.
મહારાષ્ટ્રમાં એકજૂથ વિપક્ષનો સંદેશ આપવો જરૂરી: ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ આ બેઠકમાં ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'આગામી વિધાનમંડળ સત્રમાં આપણે એક મજબૂત અને એકજૂથ વિપક્ષ તરીકે જ જનતાની સામે આવવું પડશે. આ ઉપરાંત, સમગ્ર મહારાષ્ટ્રમાં યોજાનારી જાહેર સભાઓ, બેઠકો અને આંદોલનો ત્રણેય પક્ષોએ સાથે મળીને કરવા જોઈએ, જેથી પૂરા રાજ્યમાં આપણી એકતાનો એક સકારાત્મક સંદેશ જાય.' હવે જોવાનું એ રહેશે કે ઉદ્ધવ ઠાકરેની આ અપીલ પછી મહાવિકાસ અઘાડીના બાકીના નેતાઓ કેટલી એકતા બતાવે છે અને 23 ધારાસભ્યોની ગેરહાજરી પાછળનું અસલી કારણ શું બહાર આવે છે.









