PMC Elections: પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન(PMC)ની ચૂંટણીમાં એકસાથે લડવાના શરદ પવાર અને અજિત પવારના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. બેઠકોની વહેંચણી અને પક્ષના ચિહ્ન મુદ્દે સર્જાયેલા ગજગ્રાહ બાદ બંને જૂથો વચ્ચેનું સંભવિત જોડાણ તૂટી ગયું છે. હવે શરદ પવારની NCP(શરદ પવાર જૂથ)એ ફરી એકવાર 'મહાવિકાસ આઘાડી'(MVA)ના સાથી પક્ષો સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે.
શા માટે તૂટ્યું ગઠબંધન?
અહેવાલો અનુસાર, છેલ્લા સાત દિવસથી બંને જૂથો વચ્ચે ચાલી રહેલી મેરેથોન બેઠકોમાં મુખ્ય બે મુદ્દાઓ અવરોધ બન્યા હતા. જેમાં શરદ પવાર જૂથે પૂણેમાં 68 બેઠકોની માંગણી કરી હતી. અજિત પવારે આ માંગને 'અવ્યવહારુ' ગણાવી ફગાવી દીધી હતી. જ્યારે અજિત પવારનો આગ્રહ હતો કે ગઠબંધનના તમામ ઉમેદવારો માત્ર NCPના અધિકૃત 'ઘડિયાળ' ચિહ્ન પર જ ચૂંટણી લડે. શરદ પવાર જૂથને લાગ્યું કે જો તેઓ આ શરત માને તો પૂણેમાં તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે છે.
અજિત પવારની દલીલ
અજિત પવારે બેઠકો ન આપવા પાછળ તર્ક આપ્યો હતો કે, વર્ષ 2017ની PMC ચૂંટણીમાં જ્યારે NCP અખંડ હતી, ત્યારે પણ પાર્ટી માત્ર 43 બેઠકો જીતી શકી હતી. આવી સ્થિતિમાં અત્યારે જ્યારે પક્ષ બે ભાગમાં વહેંચાયેલો છે, ત્યારે 68 બેઠકોની માંગણી તાર્કિક નથી.
આ પણ વાંચો: BMC ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણી પર સસ્પેન્સ! રાતભર બેઠકો બાદ પણ ન બની સહમતી
MVAમાં શરદ પવાર જૂથની વાપસી!
અજિત પવાર સાથેની વાતચીત નિષ્ફળ જતાં, સુપ્રિયા સુલે અને જયંત પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે, NCP (શરદ પવાર જૂથ) હવે કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) સાથે મળીને PMC ચૂંટણી લડશે. ત્રણેય પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે નવી વાટાઘાટો શરુ કરી દેવામાં આવી છે. જો કે, રસપ્રદ વાત એ છે કે પિંપરી-ચિંચવડમાં બંને NCP જૂથો હજુ પણ સાથે મળીને ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
શરદ પવાર જૂથના ફરી MVAમાં જોડાવાથી પૂણેમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. એક તરફ ભાજપ-શિવસેના(શિંદે જૂથ)ની મહાયુતિ, બીજી તરફ અજિત પવારની NCP અને ત્રીજી તરફ કોંગ્રેસ-UBT-NCP (શરદ પવાર જૂથ)નું મહાવિકાસ આઘાડી ગઠબંધન આમને-સામને હશે.


