ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ 'AI ઇમ્પેક્ટ સમિટ'માં આપશે હાજરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Macron Meeting: ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઈમેન્યુઅલ મેકોન ચાર દિવસના ભારત પ્રવાસે મંગળવારે મુંબઈ પહોંચ્યા છે. મહારાષ્ટ્ર લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેકોન વચ્ચે મુલાકાત થઈ છે. PM મોદીએ ઉષ્માભેર ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખનું સ્વાગત કર્યું હતું. આજે મંગળવારે ભારત અને ફ્રાંસ વચ્ચે છેલ્લા એક દાયકાની સૌથી મોટી સંરક્ષણ ડીલ થવા જઈ રહી છે. જેમાં બહરત 114 રાફેલ ફાઇટર જેટ ફ્રાંસ પાસેથી ખરીદશે. બંને નેતાઓ વચ્ચેની હાઇ લેવલ બેઠક બાદ તેની જાહેરાત થશે.
3.25 લાખ કરોડની ઐતિહાસિક મેગા ડીલ
આ પ્રવાસનું સૌથી મોટું કેન્દ્રબિંદુ 3.25 લાખ કરોડની ઐતિહાસિક રાફેલ ડીલ છે. આ આઝાદી પછીની સૌથી મોટી હથિયાર ખરીદી હશે, જે અંતર્ગત ભારત ફ્રાંસની દસોલ્ટ એવિએશન કંપની પાસેથી 114 આધુનિક રાફેલ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ(MRFA) ખરીદવા જઈ રહ્યું છે. આ ડીલ હેઠળ 18 વિમાન તૈયાર સ્થિતિમાં ફ્રાંસથી આવશે, જ્યારે બાકીના 96 વિમાનોનું નિર્માણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ ભારતમાં જ કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત બેઠક બાદ થઈ શકે છે.
શું છે આ ‘F-5’ સુપર રાફેલ?
આ નવી ડીલની સૌથી ખાસ બાબત 'સુપર રાફેલ' એટલે કે F-5 વેરિઅન્ટ છે. અત્યારે ભારત પાસે F-3 વેરિઅન્ટના રાફેલ છે, પરંતુ આ સોદામાં 24 વિમાન F-5 વર્ઝનના હશે જે સિકસ્થ જનરેશનના ફાઇટર જેટ્સ જેવી ક્ષમતા ધરાવે છે. આ 'સુપર રાફેલ' ઍડ્વાન્સ સેન્સર્સ, સ્ટીલ્થ ફીચર્સ(જે રડારમાં પકડાય નહીં), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 'કિલ-વેબ' ટૅક્નોલૉજીથી સજ્જ હશે, જે 2030 સુધીમાં ડિલિવર થવાની અપેક્ષા છે. આ સોદાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં 50%નો વધારો થશે, જે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની વધતી આક્રમકતા સામે ભારતની હવાઈ સુરક્ષાને અભેદ્ય બનાવશે. આ ડીલમાં ટૅક્નોલૉજી ટ્રાન્સફર પણ સામેલ છે, જેનાથી ભારત ભવિષ્યમાં પોતાની રીતે આવા શક્તિશાળી વિમાનો બનાવી શકશે.
સંરક્ષણથી આરોગ્ય સુધીના ક્ષેત્રોમાં ભાગીદારી
આજના કાર્યક્રમ મુજબ, બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ, ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે તેઓ 'ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026'નું ઉદ્ઘાટન કરશે અને ઉદ્યોગ જગતના નેતાઓ તથા સંશોધકોને સંબોધશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ઉપરાંત વેપાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં પણ લગભગ એક ડઝન જેટલા કરારો થવાની સંભાવના છે.
'AI ઇમ્પેક્ટ સમિટ'માં હાજરી આપશે ઈમેન્યુઅલ મેકોન
ઈમેન્યુઅલ મેકોન 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં 'AI ઇમ્પેક્ટ સમિટ'માં પણ હાજરી આપશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, જે બંને દેશોના મજબૂત થતા સંબંધોની નવી મિશાલ રજૂ કરશે.









