Get The App

બજેટ પૂર્વે સંસદમાં પીએમ મોદીનું મોટું નિવેદન, 'હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છીએ'

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
બજેટ પૂર્વે સંસદમાં પીએમ મોદીનું મોટું નિવેદન, 'હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છીએ' 1 - image


PM Modi in Parliament : સંસદનું બજેટ સત્ર આજથી શરુ થઈ રહ્યું છે, જે ભારતની ભાવિ આર્થિક દિશા નક્કી કરવા માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. બજેટ રજૂ થયા પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સત્રની ગંભીરતા અને સરકારના ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે.



રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું નવું સૂત્ર

બજેટ સત્રના પ્રારંભ પૂર્વે સંસદ ભવન પરિસરમાં મીડિયાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકારની ઓળખ હંમેશા 'રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ' (સુધારો, પ્રદર્શન અને પરિવર્તન) રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત હવે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે 'રિફોર્મ એક્સપ્રેસ' પર આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના આ નિવેદનને આગામી બજેટમાં મોટા આર્થિક સુધારાઓના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.



આર્થિક સર્વે અને બજેટની જાહેરાત

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં દેશનો 'આર્થિક સર્વે' (Economic Survey) રજૂ કરશે. આ સર્વેમાં દેશની અર્થવ્યવસ્થાનું પાછલા વર્ષનું સરવૈયું અને ભાવિ પડકારોનું આકલન રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ, 1 ફેબ્રુઆરીના રોજ નિર્મલા સીતારમણ સતત નવમી વખત કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ બજેટમાં મધ્યમ વર્ગને રાહત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી જાહેરાતો થવાની આશા સેવાઈ રહી છે.

સત્રમાં વિપક્ષનો હોબાળો થવાની શક્યતા

એક તરફ સરકાર વિકાસના મંત્રો આપી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષે પણ ઘેરવાની તૈયારી કરી લીધી છે. વિપક્ષી દળો દ્વારા VB-G RAM-G બિલ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરવામાં આવી છે. જોકે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દાઓ પર અગાઉના સત્રમાં ચર્ચા થઈ ચૂકી છે, તેથી આ વખતે તેના માટે કોઈ અલગ સમય ફાળવવામાં આવશે નહીં. આ સ્થિતિ જોતાં બજેટ સત્ર હંગામેદાર રહેવાની પૂરેપૂરી શક્યતા છે.