India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ દેશોની ૮ દિવસની વિદેશ યાત્રાએ, ઘાના, ત્રિનીદાદ-ટોબેગો, આર્જેન્ટિના, નામિબિયા, બ્રાઝિલ જશે

By GS TEAM
3 Jul 20253 mins read
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ દેશોની ૮ દિવસની વિદેશ યાત્રાએ, ઘાના, ત્રિનીદાદ-ટોબેગો, આર્જેન્ટિના, નામિબિયા, બ્રાઝિલ જશે

- છ દાયકા પછી દ.અમેરિકાની મુલાકાતે જનારા ભારતીય નેતા

- વિદેશ યાત્રાનો હેતુ વ્યાપાર-વૃદ્ધિ, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો તો છે જ, પરંતુ ગર્ભિત હેતુ, ભારતને યુએન સલામતી સમિતિમાં કાયમી સ્થાન માટે પુષ્ટિ મેળવવાનો છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ૮ દિવસની પાંચ દેશોની વિદેશ યાત્રાએ જવા રવાના થયા છે. તેઓ ઘાના, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, આર્જેન્ટિના, નામિબિયા અને બ્રાઝિલની મુલાકાત લેશે. તેઓની આ યાત્રા એટલાંટિકની બંને બાજુએ રહેલાં ગ્લોબલ સાઉથ સાથે ભારતના સંબંધો ગાઢ કરવાનો તો છે જ. પરંતુ તે સાથે યુએનની મહાસભામાં ભારતનાં સલામતિ સમિતિમાં કાયમી સ્થાન માટેનાં મતદાનમાં પુષ્ટિ મેળવવાનો પણ ગર્ભિત હેતુ છે.

વિદેશ યાત્રાએ જતાં પૂર્વે કરેલાં એક નિવેદનમાં તેઓએ કહ્યું હતું કે હું આ યાત્રા દરમિયાન બ્રિક્સ, આફ્રિકન-યુનિયન, ઇકોડબલ્યુએસ (ઇકોનોમિક ઓર્ગેનાઝેશન ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટસ) તથા કેરીકોમ (કેરિબિયન-કોમર્સ)ના નેતાઓ સાથે મંત્રણા કરવાનો છું.

મોદી સૌથી પહેલાં ઘાના જવાના છે. જ્યાં તેઓ પ્રમુખ જ્હોન દ્રામાપી મહામાના મહેમાન બનશે. તેઓ ત્યાં ૨-૩ જુલાઈ સુધી રહેશે. તેઓએ કહ્યું આફ્રિકન યુનિયન અને ઇકોનોમિક કોમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટસના નેતાઓ સાથે મંત્રણા યોજશે. ત્યાંથી તેઓ કેરિબિયન સી સ્થિત ટ્રિનિદાદ એન્ડ ટોબેગો જશે. વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરો આપનાર આ ટાપુ દ્વંદ્વમાં તેઓ જુલાઈ ૩થી ૪ રોકાશે. તેઓએ કહ્યું કેરેબિયન દેશો સાથે ભારતનો સંબંધ તો ૧૮૦ વર્ષ જૂનો છે. ૧૮૦ વર્ષ પૂર્વે અહીં સૌથી પહેલો ભારતીય સમુહ આવ્યો હતો. તેઓ ક્રીસ્ટીન કાર્લા કંગાબુ અને વડા પ્રધાન કમલા પ્રસાદ બિસ્સેચર (કમલા પ્રસાદ વિશ્વેશ્વર)ને મળશે. (કમલા-પ્રસાદ મૂળ ભારત વંશીય છે.) જેઓએ વડાપ્રધાન તરીકેની તેઓની બીજી મુદત હમણાં જ શરૂ કરી છે.

અહીંથી તેઓ આર્જેન્ટિનાનાં પાટનગર બ્યુનોસ એરિસ જવાના છે. એટલાંટિક મહાસાગરના નાના અખાતના શિર્ષ ઉપર રહેલાં આ શહેરનાં નામનો અર્થ જ સુંદર હવા તેવો થાય છે. ૫૭ વર્ષ પછી આર્જેન્ટિનાની મુલાકાત લેનારા તેઓ પહેલા ભારતીય વડાપ્રધાન બની રહેશે. તેને જી-૨૦માં મહત્ત્વનું આર્થિક ભાગીદાર કહેવા સાથે તેને લેટિન અમેરિકામાં એક મહત્ત્વનાં સાથી તરીકે ભારતે તેને ઓળખાવ્યું હતું. અને ખેતી તથા ઊર્જા અને ટેકનોલોજીમાં મહત્ત્વનું ભાગીદાર કહ્યું હતું.

અહીંથી તેઓ બ્રાઝિલની મુલાકાતે જશે. પહેલાં વિશ્વની એક સૌથી સુંદર પર્વતીય ભૂશિર રાયો-દ-જાનીરો જશે જ્યાંથી તેઓ પાટનગર બ્રાઝિલિયા જશે. જ્યાં ભારત પછી જી-૨૦નું અધ્યક્ષ પદ સંભાળનારા પ્રમુખ લુઇઝ લુલા દ'સિલ્વા સાથે મંત્રણા કરશે. જેમાં ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ ચર્ચવામાં આવશે. તેમા બ્રિક્સ દેશોની યોજાનાર પરિષદમાં ઉપસ્થિત રહેશે. આ પરિષદ રાયો દ'જાનીરોમાં યોજાવાની છે.

તા. ૬-૭ જુલાઈ દરમિયાન બ્રિક્સ દેશોની પરિષદમાં તેઓ હાજરી આપશે. નરેન્દ્ર મોદીની હાજરીને બ્રિક્સ દેશો અત્યંત મહત્વ આપે છે. આ પરિષદમાં પ્રમુખ પુતિન તો હાજર નહીં રહે, પરંતુ ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ હાજર રહેશે કે કેમ તે નક્કી નથી.

જુલાઈ ૬-૭ દરમિયાન બ્રિક્સની પરિષદ પછી ૮મીએ તેઓ બ્રાઝિલિયા જઇ તુર્ત જ ૯મીએ નામિબિયા જશે. વિશ્વનાં સૌથી ગાઢ વિષુવવૃત્તીય જંગલોવાળા દેશોમાંથી વિશ્વના સૌથી સુકા દેશો પૈકીના એક નામિબિયા જશે. પ્રમુખ નેતુમ્બો નાન્દી, નદૈથવા સાથેની મંત્રણામાં તેઓ બંને દેશોએ સંસ્થાનવાદ દરમિયાન વેઠેલી આપત્તિઓ યાદ કરશે. તા.૯મીએ રાત્રે તેઓ ભારત પરત આવશે.