દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ
PM Modi Inaugurates Type-7 Building: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં બાબા ખડકસિંહ માર્ગ પર સાંસદો માટે બનાવવામાં આવેલા 184 નવા ટાઇપ-7 બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી મોદી રહેણાંક સંકુલમાં સિંદૂરનો છોડ રોપશે. તેમજ કામદારો સાથે વાતચીત કર્યા બાદ હાજર જનસમૂહને સંબોધિત કરશે.
આ રહેણાંક સંકુલ સ્વ-નિર્ભર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે સાંસદોની કાર્યાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ પ્રોજેક્ટમાં ગ્રીન ટેકનોલોજી અપનાવવામાં આવી છે, GRIHAના ૩-સ્ટાર રેટિંગ ધોરણોનું પાલન અને નેશનલ બિલ્ડીંગ કોડ (NBC) 2016નું પાલન કરે છે. આ પર્યાવરણીય રીતે ટકાઉ સુવિધાઓથી સજ્જ ઉર્જા સંરક્ષણ, રિન્યુએબલ એનર્જી ઉત્પાદન અને અસરકારક કચરા વ્યવસ્થાપનમાં ફાળો આપે તેવી અપેક્ષા છે.
અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ
તેના બાંધકામમાં અદ્યતન ટેકનોલોજી, ખાસ કરીને એલ્યુમિનિયમ શટરિંગ સાથે મોનોલિથિક કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની તેમજ માળખાકીય મજબૂતાઈ સુનિશ્ચિત કરી છે. આ સંકુલ દિવ્યાંગો માટે અનુકૂળ છે. જે સમાવેશી ડિઝાઈન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સંસદના સભ્યો માટે પર્યાપ્ત આવાસની અછતના કારણે આ પ્રોજેક્ટનો વિકાસ અત્યંત જરૂરી બન્યો હતો. જમીનની મર્યાદિત ઉપલબ્ધતાના કારણે વર્ટિકલ નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવી છે.
મજબૂત સુરક્ષા સાથે 5000 ચોફૂટનો કાર્પેટ એરિયા
દરેક ફ્લેટમાં લગભગ 5,000 ચોરસ ફૂટનો કાર્પેટ એરિયા છે, જે રહેણાંક અને સત્તાવાર કાર્યો માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે. સંકુલમાં ઓફિસો, સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા અને સમુદાય કેન્દ્ર માટે સમર્પિત વિસ્તારો પણ શામેલ છે, જે સાંસદોને જનપ્રતિનિધિ તરીકે તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરશે. સંકુલમાં તમામ ઇમારતો આધુનિક માળખાકીય ડિઝાઇન ધોરણો અનુસાર ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી છે. ઉપરાંત, તમામ રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા મૂકવામાં આવી છે.