આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
PM Modi to address nation at 8 pm: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે. જેમાં તેઓ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી શકે છે. તેમજ ભારતીય સેનાની બહાદુરીને બિરદાવશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ વડાપ્રધાન મોદીનું આ પ્રથમ જાહેર સંબોધન છે.
વડાપ્રધાન મોદી પહલગામ હુમલાનો બદલો લેવા ભારતીય સેના દ્વારા આતંકવાદનો સફાયો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરની સફળતા વિશે માહિતી આપી શકે છે. તેઓ ભારતીય સેનાની અભૂતપૂર્વ કામગીરીના વખાણ કરતાં તેમને સન્માન આપશે.
DGMO પરિષદમાં ઓપરેશન સિંદૂર વિશે અપાઈ માહિતી
આજે બપોરે ભારતીય સેનાની ત્રણેય પાંખના ડીજીઓએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા તુર્કીયે ડ્રોન અને ચીનની મિસાઇલોને નષ્ટ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના અન્ય ડ્રોનને અમારા શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતા. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ભારતીય નૌસેનાએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતા રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખોની છાવણીઓ, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. તે આગળ જરૂર પડી તો કાર્યવાહી કરવા સક્ષમ છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન સતત બેઠકોમાં વ્યસ્ત રહ્યા
પહલગામ આતંકવાદી હુમલા દરમિયાન PM મોદી સાઉદી અરબની મુલાકાતે હતા, જેવા હુમલાના સમાચાર મળ્યા તેવી જ પોતાની યાત્રા અધવચ્ચે છોડી PM મોદી વતન પરત ફર્યા હતા અને હુમલાની વિગતો મેળવી હતી. ત્યારબાદ ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડા, સંરક્ષણ મંત્રાલય સાથે મળી સતત બેઠકો યોજી ઓપરેશન સિંદૂરની યોજના બનાવી હતી. આજે સવારે પણ વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાનની સેનાના ડીજી સાથે વાર્તાલાપ કરતાં પહેલાં ઉચ્ચ સ્તરીય બેઠક હાથ ધરી હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ હતા. બેઠકમાં NSA અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડા ઉપસ્થિત રહ્યા હતા.
ઓપરેશન સિંદૂરમાં 100 આતંકવાદીઓનો સફાયો
ભારતીય સેના દ્વારા 7 મેના રોજ સવારે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના નવ ઠેકાણાં પર ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જેને મિસાઇલ્સ અને ડ્રોન દ્વારા નષ્ટ કરાયા હતા. જેમાં 100 જેટલા આતંકવાદીઓનો સફાયો થયો હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ ભારતના 15 સૈન્ય સ્થળો પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.