ટ્રમ્પની દાદાગીરી સામે BRICSની એકતા: બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત
PM Modi Talks to Putin Amid Rising U.S.-India Trade Tensions : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી છે. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ, દ્વિપક્ષીય એજન્ડા તથા બંને દેશોની પાર્ટનરશિપને લઈને ચર્ચા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી. આ વર્ષના અંત પહેલા વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું, કે 'રાષ્ટ્રપતિ પુતિન સાથે વિસ્તૃત ટેલિફોનિક ચર્ચા કરી. તેમણે યુક્રેનની સ્થિતિ અંગે તાજા અપડેટ્સ આપ્યા.' નોંધનીય છે કે PM મોદીએ ગઇકાલે જ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી.
એક તરફ જ્યાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે. આટલું જ નહીં તેઓ એક બાદ એક ભારતને લઈને ઝેરી નિવેદનો પણ આપી રહ્યા છે. ટ્રમ્પે ભારત જ નહીં બ્રાઝિલને પણ આ જ પ્રકારની ધમકીઓ આપી છે. એવામાં ભારતે અન્ય મિત્ર દેશો સાથે વાતચીત વધારી છે.
ભારતના NSA રશિયામાં, PM મોદી ચીન જશે
બીજી તરફ દબાણ છતાં ભારત અમેરિકા સામે નમતું નહીં મૂકે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશના ખેડૂતો અને પશુપાલકોના હિતોની રક્ષા માટે ભારે કિંમત ચૂકવવા તૈયાર છીએ. ભારતના NSA અજિત ડોભાલે મોસ્કોમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. ભારતના વડાપ્રધાન આ જ મહિને ચીનની મુલાકાતે જશે. વ્લાદિમીર પુતિન પણ આગામી દિવસોમાં ભારતની મુલાકાતે આવશે. આટલું જ નહીં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ પણ PM મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.
ટેરિફ મુદ્દે સમાધાન થાય પછી જ ભારત સાથે વાતચીત કરીશું: ટ્રમ્પ
નોંધનીય છે કે આજે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ટેરિફ મુદ્દે સમાધાન ન થાય ત્યાં સુધી ભારત સાથે ટ્રેડને લઈને કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં. ગયા સપ્તાહે જ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જે બાદ ટ્રમ્પે ટેરિફ 25થી વધારીને 50 ટકા કર્યો. આગામી 27 ઑગસ્ટથી આ ટેરિફ લાગુ થશે. અમેરિકાની જાહેરાત બાદ ભારતના વિદેશ મંત્રાલયે ટેરિફને અનુચિત અને અવિવેકપૂર્ણ ગણાવ્યા હતા. ભારતે જવાબ આપ્યો હતો કે અમે રાષ્ટ્રહિત તથા આર્થિક સુરક્ષાને ધ્યાને રાખી જરૂરી તમામ નિર્ણય લઈશું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં ફંડિંગ આપે છે. ભારતે જવાબ આપ્યો છે કે યુરોપ અને અમેરિકા પોતે પણ રશિયાથી ખનીજ તથા ઓઇલ-ગેસની ખરીદી કરે જ છે.
અગાઉ પણ ટ્રમ્પે ભારત વિરુદ્ધ વારંવાર આપ્યા ઝેરી નિવેદન
નોંધનીય છે કે ઘણા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી. જોકે અમેરિકાની શરતો પૂરી ન કરી શકવાના કારણે સમજૂતી થઈ શકી નહોતી. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી અમેરિકા જતાં સામાન પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત સાથે ભારતને ટોણો પણ માર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં તેલના ભંડાર હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે બની શકે કે ભવિષ્યમાં ભારત પાકિસ્તાનથી ઓઇલ ખરીદે. આ સિવાય ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યું હતું. ટ્રમ્પે બળાપો કાઢતા કહ્યું હતું કે રશિયા અને ભારત તેમના મૃત અર્થતંત્રને હજુ તળિયે લઈ જાય, મને કોઈ ફરક નથી પડતો.