જવાહરલાલ નહેરૂની 59મી પુણ્યતિથિ નિમિત્તે પી.એમ. મોદી, રાહુલ ગાંધીની શ્રદ્ધાંજલી
- કોંગ્રેસ પ્રમુખ ખડ્ગે, મહામંત્રી વેણુગોપાલે પણ અર્પેલી શ્રદ્ધાંજલી : ખડ્ગેએ ટ્વિટ પર લખ્યું : 21મી સદીનું ભારત તેઓનાં પ્રદાન સિવાય રચી શકાયું ન હોત
નવીદિલ્હી : ભારતના મહાન સપુત પંડિત જવાહરલાલ નહેરૂને તેઓની ૫૯મી પુણ્ય તિથિ નિમિત્તે રાષ્ટ્રે ભાવભીની શ્રદ્ધાંજલી અર્પી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ ખડ્ગે, રાહુલ ગાંધી અને અન્ય અગ્રીમ નેતાઓએ ભારતના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ ઉપર લખ્યું, તેઓની પુણ્યતિથિ નિમિત્તે, હું પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને મારી શ્રદ્ધાંજલિ અર્પું છું.
નહેરૂનાં અંતિમ વિરામ સ્થાન શાંતિવન ખાતે પોતાના પ્રમાતામહ (ગ્રેટ ગ્રાન્ડ ફાધર)ને અંજલિ અર્પતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું, પંડિત જવાહરલાલ નહેરૂની જીવન કથા એક દીવાદાંડી સમાન બની રહી છે. જે સ્વાતંત્ર્ય મુક્તિ, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને આધુનિકતા તરફનો માર્ગ ઊજાળી રહી છે. તેઓનું દર્શન અને તેઓએ સ્થાપેલાં મૂલ્યો આપણા આત્મા અને મનને તથા કાર્યોને સદાયે માર્ગદર્શન આપતાં રહેશે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડ્ગેએ હિન્દીમાં કરેલાં ટ્વિટ ઉપર જણાવ્યું, પંડિત જવાહલાલ નહેરૂનાં પ્રદાન સિવાય ૨૧મી સદીનું ભારત રચાઈ શક્યું ન હોત, તેઓ લોકશાહીના નિર્ભિક રક્ષક હતા. તેઓના પ્રગતિશીલ વિચારોએ ભારતને સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસ તરફ પડકારો વચ્ચે પણ આગળ ધપાવ્યું. હું આજે હિન્દના જવાહરને મારી શ્રદ્ધાંજલિ અર્પું છું.
આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અનેક નેતાઓએ પણ ખરા અર્થમાં ભારત-રત્ન હિન્દના જવાહર, તેવા જવાહરલાલ નહેરૂને તેઓની ૫૯મી પુણ્ય તિથિ નિમિત્તે ભાવવાહી શ્રદ્ધાંજલિઓ અર્પી હતી.