Get The App

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત-અમેરિકાના સંબંધો પર થઈ ચર્ચા

Updated: Jan 27th, 2025

GS TEAM

Google News
Google News
PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત-અમેરિકાના સંબંધો પર થઈ ચર્ચા 1 - image

PM Modi Phone Call US President Donald Trump : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (27 જાન્યુઆરી) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. બંને ટોચના નેતાઓ વચ્ચે ભારત અને અમેરિકા સંબંધોને મજબૂત કરવા અંગે વાતચીત થઈ હતી. ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પહેલીવાર છે, જ્યારે વડાપ્રધાન મોદીએ તેમની સાથે વાત કરી. એવા અહેવાલો છે કે, મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ ક્વાડની આગામી બેઠક સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાતચીત કરી હતી.

PM મોદીએ અગાઉ ટ્રમ્પને જીત બદલ આપ્યા હતા અભિનંદન

આ પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકાની ચૂંટણીમાં જંગી જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર વડાપ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ સારી વાતચીત થઈ, તેમને તેમની મહાન જીત બદલ અભિનંદન... અમે ટૅક્નોલૉજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી એકવાર સાથે મળીને કામ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

આ પણ વાંચો : યુદ્ધવિરામની જાહેરાત બાદ ગાઝાવાસીઓને રાહત, પરત ફરવાનું શરૂ કર્યું, હમાસ વધુ છ બંધકને છોડશે

મોદી અને ટ્રમ્પ વચ્ચે મિત્રતા

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના મજબૂત સંબંધોના ઘણા કારણો છે. બંને નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો, ખાસ કરીને બંને નેતાઓએ આતંકવાદ અને પાકિસ્તાન જેવા પ્રાદેશિક જોખમોનો સામનો કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. બંને વચ્ચેની મિત્રતા પણ ઘણી સારી છે, જે 'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ' જેવા મોટા કાર્યક્રમોમાં સ્પષ્ટપણે જોવા મળી હતી. આ કાર્યક્રમોમાં બંને નેતાઓ વચ્ચેના પરસ્પર સંબંધોમાં ઉષ્મા પણ જોવા મળી હતી.

આ પણ વાંચો : ‘BJP-RSS ઈચ્છે છે કે, ગરીબો સપનાં ન જુએ, અબજપતિઓ હિન્દુસ્તાનને ચલાવશે’, રાહુલ ગાંધીના પ્રહાર